News of Thursday, 5th March 2026
ધગધગતી જ્વાળાઓ વચ્ચે ‘ભક્તિ’ કે ‘પાગલપન’? યુપીમાં સળગતી હોલિકામાં કૂદી પડ્યો યુવાન, ૨૦ સેકન્ડ સુધી અગ્નિ વચ્ચે હાથ જોડીને ઉભો રહ્યો
સંભલના નંદરૌલી ગામમાં હોલિકા દહન વખતે સર્જાયો મન અસ્વસ્થ કરી દે તેવું દ્રશ્ય; ગ્રામજનોએ જીવના જોખમે યુવાનને બહાર કાઢ્યો, કપડાં બળીને ખાખ થયા

સંભલ, તા. ૦૫: હોળીના પવિત્ર તહેવાર પર ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે જોઈને પથ્થર દિલના માણસના પણ શ્વાસ અધ્ધર થઈ જાય. ગુન્નૌરના નંદરૌલી ગામમાં જ્યારે આખું ગામ હોલિકા દહનની ઉજવણીમાં વ્યસ્ત હતું અને લોકો અગ્નિની પરિક્રમા કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક યુવાન તમામ મર્યાદાઓ ઓળંગીને ભભૂકતી જ્વાળાઓની બરાબર વચ્ચે જઈને ઉભો રહી ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હોળી પ્રગટાવ્યા બાદ જ્યારે આગની લપેટો આકાશને આંબી રહી હતી, ત્યારે આ યુવાન અચાનક અંદર કૂદી પડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, તે આગમાં તરફડવાને બદલે શાંતિથી હાથ જોડીને 'રામ-રામ' ના જાપ કરવા લાગ્યો હતો. લગભગ ૨૦ સેકન્ડ સુધી તે મોતની વચ્ચે ઉભો રહ્યો, જેને જોઈને હાજર લોકોના લોહી થીજી ગયા હતા. ગામલોકો તેને બહાર આવવા માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ તે ટસથી મસ ન થયો.
હિંમતવાન ગ્રામજને બચાવ્યો જીવ
સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલાં જ ગામના એક હિંમતવાન વ્યક્તિએ પોતાના જીવની પરવા કર્યા વગર સળગતી હોળીમાં પ્રવેશ કર્યો અને યુવાનનો હાથ પકડીને તેને ખેંચી બહાર કાઢ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં યુવાનના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા અને તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવાન બહજોઈ વિસ્તારના સિંગાપોર ગામનો રહેવાસી છે અને પોતાના સાસરે હોળી ઉજવવા આવ્યો હતો. ગ્રામજનોના મતે યુવાન માનસિક રીતે અસ્થિર છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેને 'કળિયુગનો પ્રહલાદ' બનવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે, જ્યારે વહીવટીતંત્રએ આવી જીવલેણ હરકતો ન કરવા કડક સૂચના આપી છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
