News of Thursday, 5th March 2026
પર્સિયન ગલ્ફમાં મહાયુદ્ધની ગર્જના: ઈરાને અમેરિકી ઓઈલ ટેન્કરને મિસાઈલથી ફૂંકી માર્યું, સમુદ્રની વચ્ચે ભીષણ આગ
યુદ્ધ જહાજ ‘IRIS દેના’ ડૂબાડવાનો ઈરાને લીધો સનસનાટીભર્યો બદલો; ૮૭ ખલાસીઓના મોતનો હિસાબ ચૂકવવા અમેરિકા પર કર્યો પ્રચંડ હુમલો

તેહરાન, તા. ૦૫: મધ્ય પૂર્વમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકા દ્વારા ઈરાની યુદ્ધ જહાજ 'IRIS દેના'ને ડૂબાડ્યાના ચોવીસ કલાકમાં જ ઈરાને પલટવાર કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઉત્તરી પર્સિયન ગલ્ફમાં અમેરિકાના એક વિશાળ ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો કરી તેને આગને હવાલે કરી દીધું છે. ઈરાની સરકારી મીડિયાના દાવા મુજબ, આ ટેન્કર અત્યારે દરિયાની વચ્ચે સળગી રહ્યું છે, જે આ પ્રદેશમાં ઊર્જા પુરવઠા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
લોહીનો બદલો લોહીથી: ઈરાનનો આક્રોશ
આ વિવાદની શરૂઆત મંગળવારે રાત્રે થઈ હતી, જ્યારે યુએસ નેવીએ હિંદ મહાસાગરમાં ઈરાની ફ્રિગેટ પર ટોર્પિડો હુમલો કરી તેને ડૂબાડી દીધું હતું. આ હુમલામાં ઈરાનના ૮૭ ખલાસીઓ માર્યા ગયા હતા. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ ઘટનાને 'સમુદ્રી અત્યાચાર' ગણાવી હતી. ગુરુવારે સવારે જ ઈરાની ધાર્મિક નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કડક વલણ અપનાવતા બદલો લેવાની હાકલ કરી હતી, જેના કલાકોમાં જ આ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.
ઈઝરાયેલ-અમેરિકા વિરુદ્ધ નવો મોરચો
માત્ર સમુદ્રમાં જ નહીં, પરંતુ જમીની સ્તરે પણ યુદ્ધ તેજ બન્યું છે. ઈરાને ઇઝરાયેલ અને અમેરિકાના સૈન્ય મથકો પર મિસાઈલોનો નવો મારો શરૂ કર્યો છે. બીજી તરફ, ઇઝરાયેલની સેનાએ પણ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ અને તેહરાનની માળખાગત સુવિધાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલ છે. તેલ અવીવ અને જેરુસલેમમાં અત્યારે સતત હવાઈ સાયરન વાગી રહ્યા છે, જે ભયાનક સ્થિતિની સાક્ષી પૂરે છે.
આ ભીષણ જંગમાં અત્યાર સુધીમાં ઈરાનમાં ૧,૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા બાદ ઈરાન અત્યારે આરપારની લડાઈના મૂડમાં છે. આ સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠો ખોરવાયો છે, જેની અસર આગામી દિવસોમાં વિશ્વભરના પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને પોતાનું નિયંત્રણ કડક કરી દીધું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
