<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

EV માર્કેટમાં અલ્ટ્રાવાયોલેટનો ધડાકો: ₹2.50 લાખની બાઇક હવે માત્ર ₹1.49 લાખમાં મળશે! જાણો શું છે આ ‘બેટરી ફ્લેક્સ’ પ્લાન?

પેટ્રોલના ખર્ચ કરતા પણ ઓછા ભાવે લોન્ચ થયો સબ્સ્ક્રિપ્શન પ્લાન; ₹2,499 ના માસિક હપ્તે બેટરીની ચિંતામાંથી મુક્તિ અને ૫ વર્ષની વોરંટી

નવી દિલ્હી, તા. ૦૫: ભારતીય ઇલેક્ટ્રિક વાહન બજારમાં અત્યારે સ્પર્ધા તેજ બની રહી છે, ત્યારે અલ્ટ્રાવાયોલેટ ઓટોમોટિવ કંપનીએ ગ્રાહકોને આકર્ષવા માટે એક મોટો દાવ ખેલ્યો છે. કંપનીએ તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક બાઇક X-47 ક્રોસઓવરની કિંમતમાં અધધ ૪૦% નો ઘટાડો જાહેર કર્યો છે. જે બાઇક પહેલા ₹૨.૫ લાખમાં મળતી હતી, તે હવે તમે માત્ર ₹૧,૪૯,૦૦૦ (એક્સ-શોરૂમ) ની કિંમતે ઘરે લાવી શકશો.

આ કિંમતમાં ધરખમ ઘટાડા પાછળ કંપનીનો નવો 'બેટરી ફ્લેક્સ' (Battery Flex) પ્લાન જવાબદાર છે. આ પ્લાન હેઠળ 'બેટરી-એઝ-એ-સર્વિસ' (BaaS) મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાહક બાઇકની ખરીદી ઓછી કિંમતે કરે છે અને બેટરી માટે માસિક સબ્સ્ક્રિપ્શન ચૂકવે છે. આ માટે અલ્ટ્રાવાયોલેટે ગ્રીન-ઓન્લી NBFC કંપની 'Ecofy' સાથે હાથ મિલાવ્યા છે.

 

શું છે આ ખાસ ઓફરની વિશેષતાઓ?

  • માસિક સબ્સ્ક્રિપ્શન: ગ્રાહકોએ બેટરી માટે દર મહિને માત્ર ₹૨,૪૯૯ ચૂકવવાના રહેશે. આ ખર્ચ મહિનાના પેટ્રોલના સરેરાશ ખર્ચ કરતા પણ ઓછો છે.
  • બેટરીની માલિકી: સબ્સ્ક્રિપ્શનનો સમયગાળો પૂર્ણ થયા બાદ, બેટરીની માલિકી કોઈપણ વધારાના ખર્ચ વિના ગ્રાહકને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
  • વોરંટી અને સુરક્ષા: કંપની બેટરી પર ૫ વર્ષની લાંબી વોરંટી આપી રહી છે, જે ગ્રાહકોનો બેટરી રિપ્લેસમેન્ટ અંગેનો ડર દૂર કરે છે.
  • પરફોર્મન્સ: X-47 એ માત્ર લુકમાં જ નહીં પણ ટેકનોલોજી અને સ્પીડમાં પણ પાવરફુલ બાઇક છે. તે સ્ટાઇલ અને ઇકો-ફ્રેન્ડલી મુસાફરીનો અજોડ સંગમ છે.

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ઉંચી કિંમત હંમેશા એક અવરોધ રહી છે, પરંતુ અલ્ટ્રાવાયોલેટના આ પગલાથી હવે સામાન્ય વાહન ચાલકો પણ પ્રીમિયમ EV તરફ વળશે તેવી પૂરી શક્યતા છે. આ યોજના માટેના રજિસ્ટ્રેશન આજથી એટલે કે ૫ માર્ચ, ૨૦૨૬ થી શરૂ થઈ ગયા છે.

(5:20 PM IST)