<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

બંગાળી ફિલ્મોની ‘ક્વીન’ કોયલ મલ્લિકની રાજકારણમાં ગ્રાન્ડ એન્ટ્રી: મમતા બેનર્જીએ રાજ્યસભા માટે બનાવ્યા ઉમેદવાર; રૂપેરી પડદા બાદ હવે સંસદ ગજવશે

TMC એ પાંચ બેઠકો માટે જાહેર કર્યા ચાર ઉમેદવારો; બાબુલ સુપ્રિયો અને રાજીવ કુમારની સાથે કોયલ મલ્લિકના નામ પર લાગી મહોર, અભિનેત્રીએ કહ્યું- “દેશ સેવા માટે હું ઉત્સાહિત છું”

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગ્લેમર અને સેવાનો સમન્વય ફરી એકવાર જોવા મળી રહ્યો છે. બંગાળી સિનેમાની સદાબહાર અભિનેત્રી કોયલ મલ્લિકે તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી રાજ્યસભાની ચૂંટણી માટે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી ૧૬ માર્ચે યોજાનારી પાંચ બેઠકોની ચૂંટણી માટે જે ચાર નામો જાહેર કર્યા છે, તેમાં કોયલ મલ્લિકનું નામ સૌથી વધુ ચર્ચામાં છે.

નોમિનેશન ફાઈલ કર્યા બાદ ઉત્સાહિત જણાતી કોયલ મલ્લિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું આ નવી સફર માટે ખૂબ જ આતુર છું. જે રીતે બંગાળના લોકોએ મને પડદા પર પ્રેમ આપ્યો છે, તે જ રીતે હવે મને જનસેવા માટે પણ તેમના સમર્થનની જરૂર છે. હું પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે મારા રાજ્ય અને દેશ માટે કામ કરવા માંગુ છું." નોંધનીય છે કે, કોયલ મલ્લિક ૨૦૦૩થી તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલી છે.

અભિનેત્રીથી સામાજિક કાર્યકર સુધીની સફર

કોયલ મલ્લિક માત્ર ફિલ્મો પૂરતી મર્યાદિત નથી, તે પીઢ અભિનેતા રણજીત મલ્લિકની પુત્રી હોવા છતાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. તે લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે, ખાસ કરીને વિધવા મહિલાઓ અને નિરાધાર બાળકોના ઉત્થાન માટે તે પડદા પાછળ કામ કરતી રહી છે. તાજેતરમાં જ ડિસેમ્બર ૨૦૨૫માં રિલીઝ થયેલી તેની ફિલ્મ "મિટિન: એકતિ ખુનીર સંધાનય" ને બોક્સ ઓફિસ પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

રાજ્યસભાના નવા સમીકરણો

તૃણમૂલ કોંગ્રેસે આ વખતે કોયલ મલ્લિકની સાથે મેનકા ગુરુસ્વામી, બાબુલ સુપ્રિયો અને રાજીવ કુમાર જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જીના આ પગલાને કલા, સંસ્કૃતિ અને બૌદ્ધિક અવાજોને રાજકારણના મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ફિલ્મી પડદે વિજય મેળવનાર કોયલ રાજ્યસભાના મંચ પર જનતાના પ્રશ્નોને કેવી રીતે વાચા આપે છે.

 

(6:15 PM IST)