<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

નવરત્ન કંપનીનો નવો રેકોર્ડ: ₹1 લાખના રોકાણ સામે મળ્યા ₹46 લાખ! BEL ના શેરે 10 વર્ષમાં રોકાણકારોને કર્યા માલામાલ

બોનસ શેરની હેટ્રિક અને સતત ડિવિડન્ડનો જાદુ; સંરક્ષણ ક્ષેત્રની આ કંપનીના શેરે ₹467 ની નવી ઐતિહાસિક સપાટી વટાવી

નવી દિલ્હી: શેરબજારમાં જ્યારે મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી સરકારી કંપનીઓની વાત આવે, ત્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ સાબિત કરી દીધું છે કે 'ધીરજના ફળ મીઠાં હોય છે'. ગુરુવારે BSE પર કંપનીના શેર 4% થી વધુ ઉછળીને ₹467.80 ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં કામ કરતી આ નવરત્ન કંપનીએ છેલ્લા એક દાયકામાં તેના રોકાણકારોની મૂડીમાં 46 ગણો વધારો કરીને સૌને ચોંકાવી દીધા છે.

કંપનીની આ અસાધારણ સફળતા પાછળનું મુખ્ય કારણ માત્ર શેરના ભાવમાં વધારો જ નહીં, પરંતુ કંપની દ્વારા સમયાંતરે આપવામાં આવેલા બોનસ શેર છે. જો કોઈ રોકાણકારે માર્ચ 2016 માં BEL માં ₹1 લાખ રોક્યા હોત, તો તે સમયે તેને ₹32.93 ના ભાવે આશરે 3,036 શેર મળ્યા હોત. ત્યારબાદ કંપનીએ આપેલી બોનસની લહાણીને કારણે આજે તે શેરની સંખ્યા વધીને 10,017 થઈ ગઈ હોત, જેની વર્તમાન બજાર કિંમત ₹46 લાખથી પણ વધુ થાય છે.

 

બોનસ શેરની સફર: ક્યારે મળ્યો ફાયદો?

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે 2015 થી અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત બોનસ શેર જાહેર કરીને રોકાણકારોનો ઉત્સાહ જાળવી રાખ્યો છે:

  • સપ્ટેમ્બર 2015: 2:1 ના રેશિયોમાં બોનસ (દરેક શેર દીઠ 2 શેર મફત).
  • સપ્ટેમ્બર 2017: 1:10 ના રેશિયોમાં બોનસ (દરેક 10 શેર દીઠ 1 શેર મફત).
  • સપ્ટેમ્બર 2022: ફરી એકવાર 2:1 ના રેશિયોમાં બોનસની જાહેરાત કરી.

રોકાણકારો માટે આવતીકાલનો દિવસ મહત્વનો

BEL ના શેરધારકો માટે અત્યારે બેવડી ખુશીનો માહોલ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹1.95 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ મેળવવા માટે આવતીકાલે એટલે કે શુક્રવાર, 6 માર્ચ, 2026 રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. ભારતીય સેના માટે રડાર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનો બનાવતી આ કંપનીના ઓર્ડર બુક અત્યારે હાઉસફુલ છે, જે ભવિષ્યમાં પણ સારા વળતરનો સંકેત આપે છે.

(7:00 PM IST)