<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

બિહારમાં ‘સુશાસન બાબુ’ ની ઈનિંગનો અંત, હવે દિલ્હી દરબારમાં જમાવશે ધાક; ૭૫ વર્ષીય નીતીશ કુમારની રાજ્યસભામાં એન્ટ્રી પાછળનું શું છે ગણિત?

જન્મદિવસના ચાર દિવસ બાદ મુખ્યમંત્રી પદ છોડવાની જાહેરાત; અટલ બિહારી વાજપેયી સરકારના દિગ્ગજ મંત્રી રહી ચૂકેલા નીતીશ હવે કેન્દ્રમાં બનશે NDAનો મજબૂત સ્તંભ

પટના: બિહારના ઈતિહાસમાં સૌથી વધુ ૧૦ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો અનોખો રેકોર્ડ ધરાવતા નીતીશ કુમારે ગુરુવારે રાજ્યના રાજકારણમાંથી સત્તાવાર રીતે ‘નિવૃત્તિ’ જાહેર કરી છે. ૭૫ વર્ષના નીતીશ કુમારે સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. ૧૬ માર્ચે યોજાનારી ચૂંટણી માટે નામાંકન ભર્યા બાદ તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે અને પટના છોડી દિલ્હી સ્થાયી થશે.

કેન્દ્રમાં નીતીશનો પ્રભાવ: કિંગમેકરની ભૂમિકા?

નીતીશ કુમાર માત્ર બિહારના જ નહીં, પણ કેન્દ્રના રાજકારણના પણ જૂના જોગી છે. ૧૯૮૯ થી ૨૦૦૪ સુધી છ વખત લોકસભાના સભ્ય અને અટલ બિહારી વાજપેયી સરકારમાં રેલવે તથા કૃષિ મંત્રી તરીકે તેમણે પોતાની વહીવટી ક્ષમતા સાબિત કરી છે. આજે જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર માટે જેડીયુ (JDU) અને ટીડીપી (TDP) બે મુખ્ય આધારસ્તંભ છે, ત્યારે નીતીશ કુમારનું દિલ્હીમાં હોવું એનડીએ ગઠબંધન માટે અત્યંત મહત્વનું સાબિત થશે.

મહિલાઓ અને પછાત વર્ગોના મસીહા

બિહારમાં નીતીશ કુમારને 'સુશાસન બાબુ' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ‘જીવિકા દીદી’, મહિલા અનામત અને દારૂબંધી જેવા ક્રાંતિકારી નિર્ણયો લઈને મહિલાઓની એક મોટી ‘સાયલન્ટ’ વોટબેંક ઉભી કરી છે. પટનામાં તેમના નામાંકન પ્રસંગે હાજર રહેલા ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના કાર્યકાળને ‘સુવર્ણ’ ગણાવ્યો હતો.

શું દિલ્હીમાં નીતીશનો દબદબો અકબંધ રહેશે?

વિશ્લેષકોનું માનવું છે કે ભલે નીતીશ કુમાર મુખ્યમંત્રીની ખુરશી છોડી રહ્યા હોય, પરંતુ જેડીયુના સર્વોચ્ચ નેતા તરીકે દિલ્હીમાં તેમનો પ્રભાવ ઘટશે નહીં. બિહારમાં નવી ભાજપ સરકારની રચનામાં અને કેન્દ્રના મોટા નીતિવિષયક નિર્ણયોમાં નીતીશની ભૂમિકા નિર્ણાયક રહેશે. ૭૫ વર્ષની ઉંમરે શરૂ થઈ રહેલી આ નવી ઈનિંગ ભારતીય રાજકારણમાં કેવા નવા સમીકરણો રચશે, તેના પર સૌની નજર છે.

(7:07 PM IST)