News of Thursday, 5th March 2026
મધ્ય પૂર્વમાં મહાવિનાશના એંધાણ: ઈરાન-અઝરબૈજાન આમને-સામને : શું હવે નવું યુદ્ધ ફાટી નીકળશે?
ઈરાની ડ્રોને અઝરબૈજાનના એરપોર્ટ અને સ્કૂલને બનાવ્યા નિશાન: 'ચોક્કસ અને ભયાનક બદલો લઈશું' : અઝરબૈજાનની ખુલ્લી ચેતવણી: ઈઝરાયેલ-અમેરિકા સાથેના જંગ વચ્ચે ઈરાને નવો મોરચો ખોલતા વૈશ્વિક ચિંતા વધી

અઝરબૈજાન : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગમાં હવે એક નવો અને ખતરનાક વળાંક આવ્યો છે. ઈઝરાયેલ અને અમેરિકા સામે ઝઝૂમી રહેલા ઈરાને હવે તેના પાડોશી દેશ અઝરબૈજાન પર સીધો ડ્રોન હુમલો કરીને ખળભળાટ મચાવી દીધો છે. બપોરે ઈરાની સરહદથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા અઝરબૈજાનના નખ્ચીવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન ત્રાટક્યા હતા. આ હુમલામાં માત્ર એરપોર્ટના ટર્મિનલને જ નુકસાન નથી થયું, પરંતુ એક ડ્રોન નજીકના શકેરાબાદ ગામની સ્કૂલ પર પડતા નિર્દોષ નાગરિકો ઘાયલ થયા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ઈરાન હવે વ્યથિત થઈને ચારેતરફ પ્રહારો કરી રહ્યું છે, જે એક મોટા પ્રાદેશિક યુદ્ધનું આમંત્રણ હોઈ શકે છે.
અઝરબૈજાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું નગ્ન ઉલ્લંઘન ગણાવીને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. અઝરબૈજાનના સંરક્ષણ મંત્રાલયે અત્યંત આક્રમક તેવરમાં જણાવ્યું છે કે, "અમે આ હુમલાનો એવો જવાબ આપીશું જે ઈરાન ક્યારેય ભૂલી શકશે નહીં." ઈરાની રાજદૂતને તાત્કાલિક સમન્સ પાઠવીને સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે અઝરબૈજાન એ પાકિસ્તાનનો ખાસ મિત્ર અને મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં, ઈરાને તેની ધરતી પર હુમલો કરતા મુસ્લિમ જગતમાં પણ આંતરિક ફાટા પડવાની શક્યતા દેખાઈ રહી છે. આ હુમલા પાછળ અઝરબૈજાનના ઈઝરાયેલ સાથેના વધતા સંબંધો કારણભૂત હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે.
આ ઘટના બાદ કાકેશસ પ્રદેશમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ જે રીતે તેહરાન પર ચોમેરથી દબાણ વધી રહ્યું છે, તે જોતા નિષ્ણાતો માને છે કે ઈરાન હવે "કરો અથવા મરો" ની સ્થિતિમાં છે. નખ્ચીવન વિસ્તાર જે ભૌગોલિક રીતે આર્મેનિયા અને ઈરાનની વચ્ચે ઘેરાયેલો છે, ત્યાં યુદ્ધ ફાટી નીકળશે તો તેની અસર સમગ્ર એશિયા અને યુરોપના ઉર્જા સપ્લાય પર પડી શકે છે. શું અઝરબૈજાન તેના પર થયેલા આ ઘાનો વળતો પ્રહાર કરીને ઈરાન પર હુમલો કરશે? આ સવાલ અત્યારે સમગ્ર વિશ્વને ડરાવી રહ્યો છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
