<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

આકાશમાં રચાતી અદ્રશ્ય માયાજાળ: શું છે GPS સ્પૂફિંગ? જેણે દુબઈ-અબુ ધાબીમાં ઉડતા વિમાનો માટે પેદા કર્યો છે મોટો ખતરો

નકલી સિગ્નલ આપીને પાઇલોટ્સને ગેરમાર્ગે દોરવાનું ખતરનાક ષડયંત્ર; ૧૦% થી વધુ એરસ્પેસમાં સ્પૂફિંગનું જોખમ, જાણો કેવી રીતે ઈલેક્ટ્રોનિક યુદ્ધમાં વિમાનો ફસાઈ શકે છે

દુબઈ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની વચ્ચે હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) પર એક નવું અને અદ્રશ્ય સંકટ તોળાઈ રહ્યું છે. દુબઈ અને અબુ ધાબી જેવા વિશ્વના સૌથી વ્યસ્ત ઉડ્ડયન હબમાંથી પસાર થતા વિમાનો હવે 'GPS સ્પૂફિંગ' (GPS Spoofing) નામના ઇલેક્ટ્રોનિક હુમલાનો શિકાર બની રહ્યા છે. એવિએશન નિષ્ણાતોના મતે, આ વિસ્તારમાં ઉડતા વિમાનોમાં ૧૦ ટકાથી વધુ જોખમ ઊભું થયું છે, જે મુસાફરોની સુરક્ષા માટે એક ગંભીર પડકાર છે.

શું છે આ 'GPS સ્પૂફિંગ'?

સામાન્ય રીતે આપણે GPS નો ઉપયોગ રસ્તો શોધવા કરીએ છીએ, પરંતુ વિમાનો માટે તે દિશા અને ઊંચાઈ નક્કી કરવાનો મુખ્ય આધાર છે. 'જામિંગ' (Jamming) માં સિગ્નલ બ્લોક કરી દેવામાં આવે છે, જેથી પાઇલટને ખબર પડી જાય છે કે સિસ્ટમ બંધ છે. પરંતુ 'સ્પૂફિંગ' તેનાથી ઘણું વધુ ખતરનાક છે. આમાં હુમલાખોરો નકલી સેટેલાઇટ સિગ્નલ મોકલે છે, જે અસલી સિગ્નલ કરતા વધુ મજબૂત હોય છે. પરિણામે, વિમાનનું કમ્પ્યુટર છેતરાઈ જાય છે અને પાઇલટને એવું લાગે છે કે વિમાન દિલ્હી ઉપર છે, જ્યારે હકીકતમાં તે લખનૌ કે અન્ય કોઈ જોખમી વિસ્તારમાં હોઈ શકે છે.

પાઇલોટ્સ માટે કેમ છે જીવલેણ?

  • દિશાભ્રમ: ખોટા કોઓર્ડિનેટ્સને કારણે વિમાન અજાણતા પ્રતિબંધિત એરસ્પેસ અથવા દુશ્મન દેશની સરહદમાં પ્રવેશી શકે છે.
  • ટક્કરનું જોખમ: જો બે વિમાનોને ખોટો લોકેશન ડેટા મળે, તો હવામાં અથડામણ થવાની શક્યતા વધી જાય છે.
  • બેકઅપ સિસ્ટમની નિષ્ફળતા: આધુનિક વિમાનોની ઇનર્શિયલ રેફરન્સ સિસ્ટમ પણ ઘણીવાર આ શક્તિશાળી નકલી સિગ્નલોને કારણે ખોરવાઈ જાય છે.

યુએઈ કેમ બન્યું નિશાન?

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે આ પ્રદેશમાં શક્તિશાળી ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ સક્રિય થઈ છે. દુશ્મન દેશોના ડ્રોન કે મિસાઈલોને રોકવા માટે છોડવામાં આવતા આ સિગ્નલોમાં બિચારા પેસેન્જર વિમાનો ફસાઈ રહ્યા છે. દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રો આ યુદ્ધ પ્રણાલીઓની નજીક હોવાથી, અહીં ઉડતા વિમાનો માટે હવે સેકન્ડ-સેકન્ડની સતર્કતા અનિવાર્ય બની ગઈ છે.

(7:21 PM IST)