News of Thursday, 5th March 2026
સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: એક જ દિવસમાં સોનું ₹૨,૦૦૦ અને ચાંદી ₹૭,૧૦૦ તૂટી; શું આ ખરીદીની સાચી તક છે?
મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે બજારમાં અચાનક મોટો કડાકો; ૨૪ કેરેટ સોનું ₹૧.૬૦ લાખની સપાટીએ પહોંચ્યું, જાણો આગામી દિવસોમાં ભાવ વધશે કે ઘટશે?

અમદાવાદ: વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર આજે ભારતીય બુલિયન માર્કેટ પર જોવા મળી છે. છેલ્લા કેટલાય સમયથી રોકેટ ગતિએ વધી રહેલા કિંમતી ધાતુઓના ભાવમાં આજે જોરદાર ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના આંકડા મુજબ, ૨૪ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ₹૧,૯૬૨નો તોતિંગ ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવ પ્રતિ કિલો ₹૭,૧૩૫ જેટલા ઘટી ગયા છે.
ગુરુવારે સાંજે બજાર બંધ થતી વખતે ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧,૬૦,૫૮૬ પર સ્થિર થયો હતો, જે અગાઉના દિવસે ₹૧,૬૨,૫૪૮ ના સ્તરે હતો. તેવી જ રીતે, ચાંદી પણ ₹૨,૭૧,૩૪૭ થી ઘટીને ₹૨,૬૪,૨૧૨ પર આવી ગઈ છે. મધ્ય પૂર્વમાં યુદ્ધના તણાવ વચ્ચે થયેલો આ અચાનક ઘટાડો રોકાણકારો માટે આંચકા સમાન છે, પરંતુ લગ્નની સીઝન પહેલા સામાન્ય ગ્રાહકો માટે આ મોટા રાહતના સમાચાર છે.
સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ (IBJA મુજબ):
- ૨૪ કેરેટ સોનું: ₹૧,૬૦,૫૮૬ (પ્રતિ ૧૦ ગ્રામ)
- ૨૨ કેરેટ સોનું: ₹૧,૪૬,૪૨૩ (પ્રતિ ૧૦ ગ્રામ)
- ૧૮ કેરેટ સોનું: ₹૧,૨૦,૪૪૦ (પ્રતિ ૧૦ ગ્રામ)
- ચાંદી (૯૯૯ પ્યોરિટી): ₹૨,૬૪,૨૧૨ (પ્રતિ કિલોગ્રામ)
શું સોનું ફરી ₹૧.૭૨ લાખની સપાટી વટાવશે?
બજારના નિષ્ણાતો માને છે કે આ માત્ર ટૂંકા ગાળાનો ઘટાડો છે. ટેકનિકલ એનાલિસિસ મુજબ સોના માટે ₹૧,૫૮,૦૦૦નું લેવલ અત્યંત મજબૂત સપોર્ટ છે. જો ભાવ આ સપાટીથી ઉપર ટકી રહેશે, તો નજીકના ભવિષ્યમાં સોનું ફરી ઉછળીને ₹૧,૭૨,૦૦૦ સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે ચાંદીમાં પણ લાંબા ગાળે તેજીનો ટ્રેન્ડ છે અને તે ₹૩,૦૦,૦૦૦ના ઐતિહાસિક સ્તરને સ્પર્શી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.
નિષ્ણાતોના મતે, જે લોકો સોનામાં લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગે છે, તેમના માટે આ ભાવમાં ઘટાડો એ 'બાય ઓન ડીપ્સ' (ઘટાડે ખરીદી) કરવાની શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. જોકે, યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક રાજકારણને કારણે બજારમાં હજુ પણ અસ્થિરતા રહેવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
