News of Thursday, 5th March 2026
ભારતના આંગણે મહાયુદ્ધના ભણકારા: અમેરિકાએ ઇરાની જહાજ ડૂબાડ્યા બાદ બીજું યુદ્ધ જહાજ શ્રીલંકાના શરણે; હિંદ મહાસાગરમાં ‘વોર-ઝોન’ જેવી સ્થિતિ
અમેરિકન સબમરીનના ટોર્પિડો હુમલામાં ૮૭ ખલાસીઓના મોત બાદ ઇરાન લાલઘૂમ; જીવ બચાવવા બીજા ઇરાની જહાજે શ્રીલંકા પાસે માંગી પનાહ, રાષ્ટ્રપતિ દિસાનાયકેએ બોલાવી ઈમરજન્સી બેઠક

કોલંબો: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું ઇરાન-અમેરિકાનું યુદ્ધ હવે ભારતના પડોશી દેશ શ્રીલંકાના દરિયાઈ ઉંબરા સુધી પહોંચી ગયું છે. બુધવારે હિંદ મહાસાગરમાં અમેરિકન સબમરીન દ્વારા ઇરાની યુદ્ધ જહાજ 'IRIS દેના' પર ભીષણ હુમલો કરી તેને ડૂબાડી દેવાયા બાદ આજે સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ હુમલામાં ૮૭ ઇરાની નૌસૈનિકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ બીજું એક ઇરાની યુદ્ધ જહાજ શ્રીલંકાની દરિયાઈ સરહદ નજીક પહોંચતા દક્ષિણ એશિયામાં યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બીજું ઇરાની જહાજ ૧૦૦થી વધુ કર્મચારીઓ સાથે જીવ બચાવવા માટે શ્રીલંકાના શરણે પહોંચ્યું છે. ઇરાને શ્રીલંકા સરકારને વિનંતી કરી છે કે અમેરિકાના સંભવિત હુમલાથી બચવા માટે તેમના જહાજને શ્રીલંકાની દરિયાઈ સીમામાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે. આ ગંભીર પરિસ્થિતિને જોતા શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ તાકીદની બેઠક બોલાવી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે.
ભારત માટે કેમ ચિંતાનો વિષય?
જે ઇરાની જહાજને અમેરિકાએ ડૂબાડી દીધું, તે ભારત માટે વધુ ચિંતાનો વિષય એટલે છે કારણ કે તે વિશાખાપટ્ટનમમાં નૌકાદળની કવાયતમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું. ભારતના દરિયાઈ પડોશમાં બે મહાસત્તાઓ વચ્ચેનો આ સશસ્ત્ર સંઘર્ષ આંતરરાષ્ટ્રીય વેપાર અને દરિયાઈ સુરક્ષા માટે મોટો પડકાર બની શકે છે.
- બદલાની આગ: અમેરિકન હુમલાના જવાબમાં ઇરાને પર્સિયન ગલ્ફમાં અમેરિકન ઓઇલ ટેન્કર પર હુમલો કરી તેમાં આગ લગાવી દીધી છે.
- શ્રીલંકાની દ્વિધા: અત્યાર સુધી તટસ્થ રહેલું શ્રીલંકા જો ઇરાની જહાજને શરણ આપે છે તો તે અમેરિકાને નારાજ કરી શકે છે, અને જો ના પાડે તો ઇરાન સાથેના સંબંધો જોખમાય તેવી સ્થિતિ છે.
નિષ્ણાતોના મતે જો આ સંઘર્ષ હિંદ મહાસાગરમાં વધુ વકરશે તો તેની સીધી અસર ભારત પર પડશે. શ્રીલંકા આ મામલે શું નિર્ણય લે છે તેના પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
