તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 5th March 2026
બંગાળના રાજકારણમાં મોટો ધડાકો: ચૂંટણી પહેલા જ રાજ્યપાલ સીવી આનંદ બોઝનું રાજીનામું; મમતા બેનર્જીએ અમિત શાહ પર સાધ્યું નિશાન - ‘કેન્દ્રના દબાણથી થઈ વિદાય’
તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ સંભાળશે બંગાળની કમાન; મુખ્યમંત્રીની સલાહ વગર નવા રાજ્યપાલની નિમણૂક થતા મમતાએ ‘આઘાત’ વ્યક્ત કર્યો, બંધારણીય કટોકટીના એંધાણ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગે તે પહેલા જ એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝે ગુરુવારે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા સમગ્ર દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ ૨૦૨૨માં જગદીપ ધનખર બાદ કાર્યભાર સંભાળનારા આનંદ બોઝનો કાર્યકાર ૨૦૨૭ સુધીનો હતો, પરંતુ ૨૦ મહિના પહેલા જ તેમણે પદ છોડતા અનેક સવાલો ઉભા થયા છે.
આ સમાચાર મળતાની સાથે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા આપતા તેને ‘આઘાતજનક’ ગણાવી હતી. મમતા બેનર્જીએ સીધો આક્ષેપ કર્યો છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યપાલ પર ચોક્કસ રાજકીય હિતો સાધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેના કારણે જ તેમણે રાજીનામું આપવું પડ્યું છે.
નવા રાજ્યપાલની એન્ટ્રી અને વિવાદ
કેન્દ્ર સરકારે સીવી આનંદ બોઝના સ્થાને આર.એન. રવિને પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે, જેઓ હાલમાં તમિલનાડુમાં સેવા આપી રહ્યા હતા. આ નિમણૂક અંગે મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે:
- સંઘીય માળખા પર પ્રહાર: રાજ્ય સરકારની સલાહ લીધા વિના જ નવા રાજ્યપાલની નિમણૂક કરવી એ બંધારણની ભાવના વિરુદ્ધ છે.
- લોકશાહીનું અપમાન: કેન્દ્ર સરકાર સહકારી સંઘવાદના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને એકપક્ષીય નિર્ણયો લઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આનંદ બોઝે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે આગામી ચૂંટણીઓમાં કેન્દ્રની રણનીતિને અનુરૂપ નવા સમીકરણો બેસાડવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો હોઈ શકે છે. આર.એન. રવિનો ટ્રેક રેકોર્ડ જોતા, બંગાળમાં રાજભવન અને મમતા સરકાર વચ્ચેનો સંઘર્ષ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
