<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

બિલાડીઓની અજબગજબની દુનિયાઃ કેટલીક ચોંકાવનારી આદતો

બિલાડીઓ ઘણીવાર એવી વિચિત્ર હરકતો કરે છે જે માત્ર તેના માલિકો જ સમજી શકે છે. ટેબલ પરથી ગ્‍લાસ નીચે પાડી દેવો કે મરેલો ઉંદર લઈ આવવો એ તેમની જીવનશૈલીનો ભાગ છે. વિજ્ઞાનીઓ હજુ પણ બિલાડીઓ વિશે ઘણું જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કેટલીક અસામાન્‍ય ક્રિયાઓ સૂચવે છે કે તમારી બિલાડી તમારી સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહી છે.

ધ્‍યાન ખેંચવાની રીત

બિલાડીઓ તમે જે કંઈ પણ કરી રહ્યા હોવ તેમાં વિક્ષેપ પાડવાનો આનંદ માણે છે. તમે લેપટોપ પર કામ કરતા હોવ કે પુસ્‍તક વાંચતા હોવ, તેઓ તમારી વચ્‍ચે આવીને બેસી જાય છે. આ તેમની તમને એ કહેવાની રીત છે કે હવે આ વસ્‍તુ પર ધ્‍યાન આપવાનું બંધ કરો અને મને પંપાળવાનું શરૂ કરો.

શા માટે તે તમારું સાંભળતી નથી?

બિલાડીઓ બુદ્ધિશાળી હોવા છતાં અત્‍યંત જિદ્દી હોય છે. જ્‍યારે તમે તેને નામથી બોલાવો અને તે ન આવે, તેનો અર્થ એ નથી કે તે નામ નથી જાણતી. તે માત્ર આવવા માંગતી નથી. તે પોતાની મરજીથી તમારી પાસે આવશે, તમારા બોલાવવાથી નહીં.

આરામ અને હુંફની શોધ

જ્‍યારે બિલાડીના બચ્‍ચાં જન્‍મે છે, ત્‍યારે તેઓ દૂધ પીતી વખતે માતાના શરીર પર પંજા વડે દબાણ (નીડિંગ) કરે છે. પુખ્‍ત થયા પછી પણ આ વૃત્તિ રહે છે. જ્‍યારે બિલાડી તમારા શરીરના નરમ ભાગો પર પંજા મારે છે, ત્‍યારે તે તમારી સાથે સુરક્ષિત અને ખુશ અનુભવતી હોય છે.

તમને શા માટે સૂંઘે છે?

બિલાડીઓ જિજ્ઞાસુ પ્રાણી છે. જો તે તમારી પાસે આવીને તમને સૂંઘે, તો તે તમારી વિશિષ્ટ સુગંધનો અનુભવ કરવા માંગે છે. આ સુગંધ તેમને યાદ અપાવે છે કે તમે પરિચિત છો અને અજાણ્‍યા નથી, જેનાથી તેઓ શાંતિ અનુભવે છે.

પ્‍લાસ્‍ટિક ચાવવાની આદત

જો તમારી બિલાડી અચાનક પ્‍લાસ્‍ટિક જેવી બિન-ખાદ્ય વસ્‍તુઓ ચાવવાનું શરૂ કરે, તો તે ‘પાઈકા' નામનો વિકાર હોઈ શકે છે. નિષ્‍ણાતો માને છે કે ચિતા, તણાવ અથવા આહારમાં પોષક તત્‍વોની ઉણપને કારણે બિલાડી આવું કરે છે. આ બાબતે પશુચિકિત્‍સકની સલાહ લેવી જરૂરી છે.

બારી બહાર જોઈને અવાજ કરવો

જ્‍યારે બિલાડી બારી બહાર પક્ષીને જુએ છે, ત્‍યારે તે એક પ્રકારનો ‘ચેટરિંગ' (દાંત કકડાવવા જેવો) અવાજ કરે છે. આ તેની હતાશાની નિશાની છે કારણ કે તે શિકાર સુધી પહોંચી શકતી નથી. કેટલાક નિષ્‍ણાતો માને છે કે આ શિકાર કરતા પહેલા સ્‍નાયુઓને ગરમ કરવાની રીત છે.

વિશ્વાસનું પ્રતીક

જ્‍યારે બિલાડી તેની પૂંછડી ઉંચી કરીને તમારી સામે આવે છે, ત્‍યારે તે તમારા પર વિશ્વાસ બતાવી રહી છે. ભલે તે દેખાવમાં અજીબ લાગે, પણ તે દર્શાવે છે કે તે તમારી હાજરીમાં આરામદાયક છે. તેવી જ રીતે, પીઠ પર સૂઈને પેટ બતાવવું એ પણ તેમની નબળાઈ અને તમારા પ્રત્‍યેના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.

રાત્રે કેમ રડે છે?

બિલાડીઓ રાત્રે વધુ સક્રિય હોય છે. જો તેઓ ઘરમાં ઉંદર કે જીવજંતુ ન શોધી શકે, તો તે હતાશામાં જોરથી અવાજ કરે છે. આના ઉપાય માટે દિવસ દરમિયાન તેની સાથે વધુ રમવું જોઈએ જેથી તે રાત્રે થાકીને સૂઈ જાય.

સંતાકુકડીની રમત

બિલાડીઓ વારંવાર બોક્‍સમાં અથવા સિક નીચે સંતાઈ જવાનું પસંદ કરે છે. સાંકડી જગ્‍યાઓ તેમને જંગલી પ્રાણીઓ અને જોખમથી સુરક્ષિત અનુભવ કરાવે છે.

અચાનક દોડવું અને ગિફટ આપવી

ક્‍યારેક બિલાડી અચાનક આખા રૂમમાં વેગથી દોડવા લાગે છે. આ તેમની અંદર જમા થયેલી ઉર્જા બહાર કાઢવાની રીત છે. તેમજ, જ્‍યારે તે મરેલું પક્ષી કે ઉંદર લાવે, ત્‍યારે તે તમને ભેટ આપી રહી હોય છે અને તમારા પ્રત્‍યે આભાર વ્‍યક્‍ત કરતી હોય છે.

ગંદા થવાની આદત કે સંકેત?

બિલાડીઓ સામાન્‍ય રીતે લિટર બોક્‍સમાં જ ગંદકી કરે છે. જો તે અચાનક બહાર ગંદકી કરવાનું શરૂ કરે, તો તે તણાવ, લિટર બોક્‍સ પ્રત્‍યેની નારાજગી અથવા કોઈ સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાનો સંકેત હોઈ શકે છે.

હિસિંગ અને પૂંછડીના ઈશારા

હિસિંગ (ફુત્‍કાર) એ ભય કે ગુસ્‍સાની નિશાની છે. જો બિલાડીના કાન પાછળ તરફ વળેલા હોય અથવા સપાટ હોય, તો તે ગુસ્‍સામાં છે. પૂંછડી પટપટાવવી એ પણ અકળામણ દર્શાવે છે.

બિલાડી આઇ લવ યુ પણ કહે છે

જ્‍યારે બિલાડી ધીમેથી આંખો પટકાવે છે, ત્‍યારે તે ‘આઈ લવ યુ' કહી રહી હોય છે.

અજીબ આદતો પાછળનું વિજ્ઞાન

સિકમાં ઊંઘઃ સિકની ઠંડી સપાટી અને આકાર બિલાડીને સુરક્ષિત અને શાંત અનુભવ કરાવે છે.

કેટનિપનો નશોઃ કેટનિપ નામની વનસ્‍પતિના તેલથી બિલાડીઓ ઉત્તેજિત થાય છે, જેની અસર ૧૦ મિનિટ સુધી રહે છે.

ટેબલ પરથી વસ્‍તુઓ પાડવીઃ આ શિકારની પ્રેક્‍ટિસ કરવાની અથવા તમારું ધ્‍યાન ખેંચવાની રીત છે.

રોચક તથ્‍યો

પ્રાઈમોર્ડિયલ પાઉચઃ પેટ પર લટકતી ચામડી અંગોનું રક્ષણ કરે છે અને દોડતી વખતે લવચીકતા આપે છે.

નાની પ્રજાતિઓઃ સિંગાપુરા અને મંચકિન જેવી પ્રજાતિઓ માત્ર ૪ થી ૮ પાઉન્‍ડની હોય છે.

અંતિમ સમયઃ જ્‍યારે બિલાડી મરવાની નજીક હોય, ત્‍યારે તે એકાંત શોધે છે જેથી દુશ્‍મનથી બચી શકે.

સ્‍વાસ્‍થ્‍ય અને કાળજી

કુપોષણના લક્ષણોઃ જો બિલાડીના વાળ નિસ્‍તેજ હોય, વજન ઘટે કે તે સુસ્‍ત રહે, તો તેને વધુ સારા આહારની જરૂર છે.

નખ કરડવાઃ ચિંતા, કંટાળો અથવા પરોપજીવી જીવાતને કારણે બિલાડી નખ કરડે છે.

ગ્રેવિટી ફીડરઃ આ સાધન દ્વારા બિલાડી ગમે ત્‍યારે ખોરાક લઈ શકે છે, પણ તેનાથી વધુ પડતા ખોરાક (ઓવરફીડિંગ) પર નજર રાખવી જરૂરી છે.

(4:12 PM IST)