News of Friday, 6th March 2026
બ્રિટનમાં 'ઇમિગ્રેશન' મુદ્દે ભૂકંપ: પીએમ કીર સ્ટારમર સામે પોતાની જ પાર્ટીના ૧૦૦ સાંસદોનો બળવો, નવા નિયમો પાછા ખેંચવા માંગ
ગૃહ સચિવ શબાના મહમૂદની નીતિ સામે વિરોધનો સૂર: ઓછા પગારવાળા ભારતીયો સહિતના પ્રવાસીઓ માટે હવે બ્રિટિશ નાગરિકતા મેળવવી બનશે અત્યંત મુશ્કેલ

લંડન: તા.૦૬ બ્રિટનની લેબર પાર્ટીની સરકારમાં અત્યારે મોટું રાજકીય સંકટ ઊભું થયું છે. વડાપ્રધાન કીર સ્ટારમર દ્વારા ઇમિગ્રેશન સિસ્ટમમાં સૂચવેલા કડક ફેરફારોને પગલે તેમની જ પાર્ટીના ૧૦૦ થી વધુ સાંસદોએ બળવો કર્યો છે. ગૃહ સચિવ શબાના મહમૂદને મોકલેલા એક ખાનગી પત્રમાં આ સાંસદોએ ચેતવણી આપી છે કે નવા સુધારા અત્યંત 'અન્યાયી' છે અને તે બ્રિટનના મૂળભૂત મૂલ્યોની વિરુદ્ધ છે.
નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, બ્રિટનમાં કાયમી રહેઠાણ (ILR) મેળવવાનો સમયગાળો ૫ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવાની યોજના છે. સૌથી મોટો વિવાદ પગારના ધોરણોને લઈને છે. જે સ્થળાંતર કરનારાઓનો પગાર £૧૨૫,૦૦૦ (આશરે ₹૧.૪૦ કરોડ) થી વધુ છે, તેમને માત્ર ૩ વર્ષમાં જ નાગરિકતા મળી શકશે. પરંતુ, હોસ્પિટલ અને કેર સેક્ટરમાં કામ કરતા ઓછા પગારવાળા કર્મચારીઓએ હવે ૧૫ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. આ ભેદભાવભરી નીતિને કારણે હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને અન્ય વિદેશી કામદારો પ્રભાવિત થાય તેવી શક્યતા છે.
ગૃહ સચિવ શબાના મહમૂદ ગુરુવારે આપેલા ભાષણમાં આ સુધારાનો બચાવ કરતા જણાવ્યું હતું કે સરહદો પર નિયંત્રણ મેળવવું જરૂરી છે, નહીંતર દેશમાં અરાજકતા ફેલાઈ શકે છે. જોકે, બળવાખોર સાંસદોનું કહેવું છે કે ૨૦ વર્ષ સુધી રહેલા શરણાર્થીઓને પાછા મોકલવાની ધમકી આપીને આશ્રય પ્રણાલીમાં વિશ્વાસ પેદા કરી શકાય નહીં. આ વિવાદને કારણે સ્ટારમર સરકારની પકડ નબળી પડી રહી હોય તેમ જણાય છે, કારણ કે સંસદમાં આ સુધારા પસાર કરવા માટે હવે તેમને ઘરના જ વિરોધનો સામનો કરવો પડશે.
શું બદલાશે? (નવા પ્રસ્તાવિત નિયમો):
વિગત વર્તમાન નિયમ નવો પ્રસ્તાવ
સામાન્ય રહેઠાણ (ILR) ૫ વર્ષ ૧૦ વર્ષ
ઉચ્ચ પગારદાર (£૧૨૫k+) ૫ વર્ષ ૩ વર્ષ
કેર વર્કર્સ (ઓછો પગાર) ૫ વર્ષ ૧૫ વર્ષ
શરણાર્થીઓ માટે ILR - ૨૦ વર્ષ
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
