News of Friday, 6th March 2026
ક્રૂરતાની તમામ હદો પાર: તમિલનાડુમાં પાડોશી સાથેના ઝઘડામાં મહિલાએ નિર્દોષ ગલુડિયાઓને પછાડી-પછાડીને મારી નાખ્યા, હચમચાવી દેતો વિડીયો વાયરલ
સીસીટીવીમાં કેદ થઈ રુંવાડા ઉભા કરી દે તેવી હેવાનીયત: બે ગલુડિયાની હત્યા કરી, અન્ય બેને ઝાડ પર લટકાવ્યા; પોલીસ પહોંચતા માસૂમ બાળકને ઢાલ બનાવી ઘરમાં ભરાઈ ગઈ મહિલા

ચેન્નાઈ: તા.૦૬ તમિલનાડુમાંથી માનવતાને શર્મસાર કરતો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે જોઈને કોઈ પણ પથ્થર હૃદયના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. પાડોશી સાથેના અંગત વિવાદનો બદલો લેવા માટે એક મહિલાએ અબોલ અને નિર્દોષ કૂતરાના ગલુડિયાઓ પર જે રીતે કહેર વર્તાવ્યો છે, તેના સીસીટીવી ફૂટેજે આખા દેશમાં આક્રોશ ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં મહિલાની 'શુદ્ધ દુષ્ટતા' સ્પષ્ટપણે જોઈ શકાય છે.
૪ માર્ચના રોજ બનેલી આ ઘટનાના ફૂટેજમાં દેખાય છે કે એક રિક્ષા પાસે નાના ગલુડિયાઓ રમી રહ્યા છે. અચાનક નજીકના ઘરમાંથી એક મહિલા બહાર આવે છે અને જાણે તેના પર લોહી સવાર હોય તેમ, રિક્ષા નીચે રમી રહેલા એક ગલુડિયાને પકડીને પૂરી તાકાતથી દીવાલ સાથે પછાડે છે. આટલેથી મન ન ભરાતા, તે બીજા ગલુડિયાને પણ એ જ રીતે ક્રૂરતાપૂર્વક પછાડીને મોતને ઘાટ ઉતારી દે છે. પ્રાણી અધિકાર કાર્યકર્તાઓના દાવા મુજબ, આ નરાધમ મહિલાએ અન્ય બે ગલુડિયાઓને ઝાડ પર લટકાવીને મારી નાખ્યા હતા.
જ્યારે પ્રાણી બચાવ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે આ મહિલાએ ધરપકડથી બચવા માટે નવો પેંતરો અજમાવ્યો હતો. તેણે લગભગ એક કલાક સુધી પોતાને ઘરમાં કેદ કરી લીધી અને જ્યારે બહાર આવી ત્યારે પોતાના નાના બાળકને ઢાલ તરીકે આગળ ધર્યું, જેથી પોલીસ તેની સામે કડક કાર્યવાહી ન કરી શકે. પ્રાણી પ્રેમીઓ અને નેટિઝન્સ અત્યારે આ મહિલા સામે સખત કાયદાકીય પગલાં લેવાની અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી આ મામલે સત્તાવાર એફઆઈઆરની વિગતોની રાહ જોવાઈ રહી છે, પરંતુ ઇન્ટરનેટ પર લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
