News of Friday, 6th March 2026
રેપર બાદશાહની મુશ્કેલીમાં વધારો: નવા ગીત ‘તાતીરી’માં અભદ્ર શબ્દો વાપરવા બદલ હરિયાણા મહિલા આયોગે પાઠવ્યું સમન્સ
“મહિલાઓ અને સગીરો માટે વાંધાજનક છે આ ગીત”: આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ લીધી સ્વતઃ નોંધ; ૧૩ માર્ચે પાણીપતમાં બાદશાહે હાજર રહેવું પડશે

પાણીપત: તા.૦૬ જાણીતા રેપર અને ગાયક બાદશાહ (આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા) ફરી એકવાર કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. ૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થયેલા તેમના નવા હરિયાણવી ગીત 'તાતીરી' (Tatiri) માં વપરાયેલા શબ્દો સામે હરિયાણા રાજ્ય મહિલા આયોગ (HSCW) એ લાલ આંખ કરી છે. આયોગે આ ગીતના શબ્દોને મહિલાઓની ગરિમા માટે અપમાનજનક અને અભદ્ર ગણાવીને ગાયકને ઔપચારિક સમન્સ જારી કર્યું છે.
આ કેસમાં આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, ગીતની ભાષા સાંસ્કૃતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરે તેવી ફરિયાદો બાદ આ મામલે સ્વતઃ નોંધ લેવામાં આવી છે. પાણીપતની 'નારી તુ નારાયણી ઉત્થાન સમિતિ' અને 'શિવ આરતી ઇન્ડિયા ફાઉન્ડેશન' દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપ છે કે 'તાતીરી' માં અત્યંત બીભત્સ શબ્દભંડોળનો ઉપયોગ થયો છે, જે ખાસ કરીને સગીરો અને મહિલાઓ માટે અત્યંત વાંધાજનક છે. આ મામલે પાણીપતના એસપીને પણ આદેશ અપાયો છે કે સુનાવણી દરમિયાન તમામ પક્ષોની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે.
ભૂતકાળમાં સેન્સર બોર્ડના સભ્ય રહી ચૂકેલા રેણુ ભાટિયાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, આવા વિવાદાસ્પદ શબ્દોવાળા ગીતને રિલીઝ કરવાની મંજૂરી કેવી રીતે મળી? આ મામલે આગામી ૧૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે પાણીપત ડીસી ઓફિસના કોન્ફરન્સ હોલમાં સુનાવણી હાથ ધરાશે. જો બાદશાહ આ તપાસમાં કસૂરવાર ઠરશે, તો તેમના પર આકરા કાયદાકીય પગલાં લેવાઈ શકે છે. અગાઉ પણ બાદશાહ તેના ગીતોમાં ડબલ મિનિંગ શબ્દોના ઉપયોગને કારણે વિવાદોમાં રહી ચૂક્યા છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
