<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

પાક-અફઘાન જંગમાં માસૂમોનો ભોગ: સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો - હિંસામાં ૫૫ ટકા ભોગ બનનાર માત્ર મહિલાઓ અને બાળકો

હવાઈ હુમલા અને સરહદ પારના ગોળીબારમાં ૧૮૫ નાગરિકો થયા લોહીલુહાણ; પક્તિકા પ્રાંતમાં એક જ હુમલામાં ૧૪ નિર્દોષોના મોતથી માનવતા શરમાઈ

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસક અથડામણોએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. બદલાની ભાવનાથી શરૂ થયેલા આ સંઘર્ષમાં સૈનિકો કરતાં વધુ નિર્દોષ નાગરિકો પીસાઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા જારી કરવામાં આવેલા તાજા અહેવાલમાં જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર હચમચાવી દે તેવા છે. યુએન સહાય મિશન (UNAMA) ના જણાવ્યા અનુસાર, ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન થયેલી હિંસામાં કુલ ૧૮૫ નાગરિકો જાનહાનિનો ભોગ બન્યા છે, જેમાંથી ૫૫ ટકા તો માત્ર લાચાર મહિલાઓ અને બાળકો છે.

યુએનએ પોતાના દસ્તાવેજોમાં નોંધ્યું છે કે આ ટૂંકા ગાળામાં પાકિસ્તાની હવાઈ હુમલા અને પરોક્ષ ગોળીબારમાં ૫૬ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૨૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ પક્તિકા પ્રાંતના બાર્મલ જિલ્લામાં થયેલો હવાઈ હુમલો સૌથી વધુ ઘાતક સાબિત થયો હતો, જેમાં ૪ મહિલાઓ અને ૭ બાળકો સહિત કુલ ૧૪ લોકોના મોત થયા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૫ માં થયેલી અથડામણો કરતા પણ ઘણો ઊંચો છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ હવે હદ વટાવી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૬ ની શરૂઆતથી જ સરહદી વિસ્તારોમાં સ્થિતિ સ્ફોટક રહી છે. ૧ જાન્યુઆરીથી ૨૨ ફેબ્રુઆરી વચ્ચે નાંગરહાર પ્રાંતમાં પણ ૧૩ નાગરિકોના મોત નોંધાયા હતા. યુએન સહાયતા મિશને હવે બંને દેશોને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવા અને નિર્દોષ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક અપીલ કરી છે. જો આ સંઘર્ષ જલ્દી નહીં અટકે, તો અફઘાનિસ્તાનની જનતા માટે માનવીય કટોકટી વધુ ઘેરી બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

(6:14 PM IST)