News of Friday, 6th March 2026
PM મોદીની ‘ઓઈલ ડિપ્લોમસી’નો માસ્ટરસ્ટ્રોક: અમેરિકાએ રશિયન તેલ ખરીદવા માટે ભારતને આપી ૩૦ દિવસની ખાસ છૂટ, ભાજપે કહ્યું- “વિપક્ષના મોઢા પર તમાચો”
ઈરાન-અમેરિકા જંગ વચ્ચે ટ્રમ્પ પ્રશાસનનો મોટો નિર્ણય: ભારતીય રિફાઇનરીઓને મળી કામચલાઉ રાહત; તેલની અછત અંગે અફવા ફેલાવનાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હી:ભારતની વિદેશ નીતિ અને વ્યૂહાત્મક સંબંધોની વધુ એક મોટી જીત સામે આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવ અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ જેવી લશ્કરી કાર્યવાહી વચ્ચે, યુએસ ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવા માટે ૩૦ દિવસની કામચલાઉ મુક્તિ (Exemption) આપવાની જાહેરાત કરી છે. આ સમાચાર બહાર આવતા જ ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ‘વ્યૂહાત્મક તેલ રાજદ્વારી’ (Strategic Oil Diplomacy) ના ભારોભાર વખાણ કર્યા છે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અમેરિકાનું એક અત્યંત મહત્વનું ભાગીદાર છે. વૈશ્વિક ઉર્જા પુરવઠામાં ઈરાન દ્વારા ઊભા કરવામાં આવતા અવરોધોને પહોંચી વળવા અને બજારમાં તેલની અછત ન સર્જાય તે માટે આ ટૂંકા ગાળાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાને અપેક્ષા છે કે ભારત આગામી સમયમાં યુએસ તેલની ખરીદીમાં પણ વધારો કરશે. આ મુક્તિ ખાસ કરીને એવા તેલના જથ્થા માટે છે જે અત્યારે દરિયામાં ફસાયેલો છે, જેથી રશિયાને કોઈ મોટો નાણાકીય ફાયદો ન થાય પરંતુ ભારતની જરૂરિયાતો સચવાય.
ભાજપનો કોંગ્રેસ પર પલટવાર
આ ઘટનાક્રમ બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ નિર્ણય રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોઢા પર એક મોટો તમાચો છે, જેઓ દેશમાં 'તેલની અછત'ના ખોટા સમાચાર ફેલાવીને જનતામાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભંડારીએ ઉમેર્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત આજે વ્યૂહાત્મક સંયમ અને સ્પષ્ટતા સાથે કાર્ય કરી રહ્યું છે, જે વિપક્ષ સહન કરી શકતો નથી. ભારતની આ સફળતાથી સાબિત થાય છે કે વૈશ્વિક મંચ પર ભારતનું કદ અને પ્રભાવ કેટલો મજબૂત છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
