News of Friday, 6th March 2026
ખાડી દેશોના સંકટ વચ્ચે ભારત સરકાર એક્શન મોડમાં: રાંધણ ગેસનો પુરવઠો જાળવી રાખવા રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા આદેશ
કેન્દ્ર સરકારે આવશ્યક વસ્તુ ધારા (ECA) હેઠળની કટોકટીની સત્તાઓનો કર્યો ઉપયોગ; પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ પેટ્રોકેમિકલ્સ માટે કરવા પર પ્રતિબંધ, દેશના દરેક રસોડામાં ગેસ પહોંચાડવા ઓઈલ કંપનીઓને આદેશ

નવી દિલ્હી:મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને પગલે ભારતની ઉર્જા સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે. ખાડી દેશોમાંથી આવતા પુરવઠામાં અવરોધ આવવાની આશંકા વચ્ચે ભારત સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સરકારે દેશમાં રાંધણ ગેસ (LPG) ની અછત ન સર્જાય તે હેતુથી રિફાઇનરીઓને મહત્તમ ઉત્પાદન કરવા માટે આદેશ જારી કર્યો છે.
આવશ્યક વસ્તુ ધારા હેઠળ કટોકટીની જોગવાઈઓ લાગુ
કેન્દ્ર સરકારે 'આવશ્યક વસ્તુ ધારા, ૧૯૫૫' (Essential Commodities Act) હેઠળની કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને જાહેર અને ખાનગી ક્ષેત્રની તમામ તેલ રિફાઇનરીઓને નિર્દેશ આપ્યો છે. આ કાયદા હેઠળ સરકાર કોઈ પણ આવશ્યક ચીજવસ્તુની અછત વર્તાય ત્યારે કંપનીઓને તેનું ઉત્પાદન વધારવા માટે આદેશ આપી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.
પેટ્રોકેમિકલ્સને બદલે માત્ર LPG પર ધ્યાન
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રિફાઇનરીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પ્રોપેન અને બ્યુટેન જેવા વાયુઓનો ઉપયોગ અન્ય પેટ્રોકેમિકલ ઉત્પાદનો બનાવવા માટે ડાયવર્ટ ન કરે. તેના બદલે, આ તમામ જથ્થાનો ઉપયોગ માત્ર અને માત્ર લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના ઉત્પાદન માટે જ કરવામાં આવે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ગ્રાહકો માટે રાંધણ ગેસનો પૂરતો સ્ટોક સુનિશ્ચિત કરવાનો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓને સૂચના
સરકારે જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને (OMCs) પણ આદેશ આપ્યો છે કે રિફાઇનરીઓ પાસેથી મેળવેલો આ વધારાનો LPG જથ્થો માત્ર ઘરેલું વપરાશકારો (Domestic Consumers) માટે જ બજારમાં વેચવામાં આવે. ખાડીના દેશોમાં વધી રહેલા સંઘર્ષને કારણે ભારતની ઉર્જા સપ્લાય લાઇન પર જે જોખમ ઊભું થયું છે, તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અગમચેતીના ભાગરૂપે આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.
આ આદેશથી આગામી સમયમાં દેશમાં રાંધણ ગેસના પુરવઠામાં સ્થિરતા જળવાઈ રહેશે અને આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ભારતીય રસોડા પર નહીં પડે તેવી આશા રાખવામાં આવી રહી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
