<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

પશ્ચિમ એશિયાના મહાયુદ્ધની આગમાં શેકાતો ભારતનો હસ્તકલા ઉદ્યોગ: ઓર્ડર રદ થયા અને પેમેન્ટ અટક્યા, હજારો કારીગરોની આજીવિકા પર સંકટ

સંભલથી દુબઈ અને ઈરાન સુધીનો વેપાર ઠપ્પ: ફેક્ટરીઓને તાળા લાગ્યા, બંદરો પર માલ અટવાયો; અમેરિકા અને ગલ્ફ દેશોમાં નિકાસ બંધ થતા નિકાસકારોની ચિંતામાં તોતિંગ વધારો

સંભલ : પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા ભયાનક જંગની અસર હવે ભારતના નાના ગામડાઓ અને શહેરોના કારખાનાઓ સુધી પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશના સંભલ સહિત દેશના વિવિધ હસ્તકલા (Handicraft) કેન્દ્રોમાં અત્યારે ગંભીર આર્થિક મંદીનો માહોલ છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માલનું પરિવહન અને નાણાકીય વ્યવહારો સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે, જેના કારણે લાખો શ્રમિકો અને નાના ઉદ્યોગપતિઓ પાયમાલ થવાની અણી પર છે.

હેન્ડીક્રાફ્ટ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ તાહિર સલામીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાયેલા મોટા પ્રદર્શન બાદ અમને સારા ઓર્ડરની આશા હતી, પરંતુ ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થતા જ બધું વેરવિખેર થઈ ગયું છે. અમેરિકા અને યુરોપના ખરીદદારો અત્યારે પીછેહઠ કરી રહ્યા છે. જ્યારે અમેરિકા પોતે જ આ યુદ્ધમાં સીધું સામેલ હોય, ત્યારે ગલ્ફ દેશોમાં માલ મોકલવો જોખમી બની ગયો છે. ઘણા નિકાસકારોનો માલ અત્યારે બંદરો પર કન્ટેનરોમાં અટવાયેલો પડ્યો છે.

ફેક્ટરીઓને તાળા અને મજૂરોની છટણી

સ્થાનિક કોન્ટ્રાક્ટર કાઝી અલાઉદ્દીનના જણાવ્યા મુજબ, ફ્રાન્સ, સિંગાપોર અને દુબઈ જેવા દેશોમાં મોકલવામાં આવતા હસ્તકલાના નમૂનાઓનો પ્રવાહ અટકી ગયો છે. ઓર્ડર ન મળવાને કારણે અને જૂના પેમેન્ટ ફસાઈ જવાને કારણે માલિકો પાસે ફેક્ટરીઓ બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. અનેક મજૂરોને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો હસ્તકલા ક્ષેત્રને એવું નુકસાન થશે જેમાંથી બહાર આવતા વર્ષો લાગી શકે છે.

ઉદ્યોગપતિ નઝીમ અખ્તર કહે છે કે ગલ્ફ ક્ષેત્ર એ અમારું મુખ્ય બજાર છે, અને અત્યારે ત્યાં જ બોમ્બમારો થઈ રહ્યો છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈરાનના સુપ્રીમ લીડરના મૃત્યુ બાદ જે રીતે તણાવ વધ્યો છે, તેણે સમગ્ર સપ્લાય ચેઈનને તોડી નાખી છે. અત્યારે વેપારીઓ માત્ર યુદ્ધ વિરામની પ્રાર્થના કરી રહ્યા છે જેથી અટકેલા ઓર્ડર ફરી શરૂ થઈ શકે અને કારીગરોના ઘરના ચૂલા સળગતા રહે.

(7:31 PM IST)