<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

કર્ણાટકમાં ‘રોહિત વેમુલા એક્ટ’નો થશે ઉદય: ઉચ્ચ શિક્ષણમાં જાતિવાદ અને ભેદભાવને નાથવા સિદ્ધારમૈયા સરકારનું મોટું કદમ, દોષિતોને જેલ અને લાખોનો દંડ

બજેટ ૨૦૨૬-૨૭ માં ઐતિહાસિક જાહેરાત: શૈક્ષણિક સંસ્થાઓમાં SC/ST અને લઘુમતી વિદ્યાર્થીઓના રક્ષણ માટે કડક જોગવાઈઓ; ઓળખ છુપાવવાનો અધિકાર અને વળતરની સુવિધા આપનાર કર્ણાટક દેશનું પ્રથમ રાજ્ય

બેંગલુરુ : કર્ણાટક સરકારે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની દિશામાં એક મોટું ડગલું ભર્યું છે. શુક્રવારે વર્ષ ૨૦૨૬-૨૭ નું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ‘રોહિત વેમુલા (બાકાત અથવા અન્યાય નિવારણ) બિલ, ૨૦૨૫’ રજૂ કરવાની જાહેરાત કરી છે. હૈદરાબાદ યુનિવર્સિટીના તેજસ્વી પીએચડી સ્કોલર રોહિત વેમુલાના આત્મહત્યાના કિસ્સા બાદ દેશભરમાં જે ચર્ચા જાગી હતી, તેને કાયદાકીય સ્વરૂપ આપનાર કર્ણાટક દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે.

આ પ્રસ્તાવિત કાયદાનો મુખ્ય હેતુ કોલેજો અને યુનિવર્સિટીઓમાં SC, ST, OBC અને લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ સામે થતા જાતિ આધારિત ભેદભાવ અને માનસિક ઉત્પીડનને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. કર્ણાટક સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે રોહિત વેમુલાનું મૃત્યુ જાતિવાદ અને સંસ્થાકીય અન્યાયનું પરિણામ હતું, જે ભારતના શૈક્ષણિક ઇતિહાસમાં એક મહત્વની સ્વીકૃતિ છે.

કડક દંડ અને જેલની જોગવાઈ

બિલમાં ભેદભાવ કરનારાઓ સામે આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય ગુનામાં લેખિત માફીથી લઈને ગંભીર કિસ્સાઓમાં ૧૦,૦૦૦ રૂપિયાથી ૧ લાખ રૂપિયા સુધીના દંડ સાથે એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કોર્ટ પીડિત વિદ્યાર્થીને ૧ લાખ રૂપિયા સુધીનું વળતર અપાવી શકશે, જેની ચુકવણી આરોપીએ કરવાની રહેશે. જો કોઈ શિક્ષણ સંસ્થા તમામ વર્ગો માટે ખુલ્લા રહેવાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરશે, તો તેને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને સરકારી અનુદાન ગુમાવવાનું જોખમ રહેશે.

વિદ્યાર્થીઓ માટે સુરક્ષા કવચ

આ કાયદા હેઠળ દરેક સંસ્થામાં ‘સમાનતા સમિતિ’ (Equality Committee) બનાવવાની દરખાસ્ત છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ બિલ હેઠળ વિદ્યાર્થીઓને પોતાની ઓળખ ગુપ્ત રાખવાનો અધિકાર મળશે, જેથી તેઓ ડર્યા વગર અન્યાય સામે અવાજ ઉઠાવી શકે. કોંગ્રેસે ૨૦૨૪ ના ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન પૂર્ણ કરતા કર્ણાટક હવે દેશના અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ પૂરું પાડશે.

(7:50 PM IST)