News of Friday, 6th March 2026
નેપાળમાં ‘બેલેટ’ થી ક્રાંતિ: રેપર બાલેન્દ્ર શાહની પાર્ટીની સુનામી, દિગ્ગજ નેતાઓ અને જૂના પક્ષોના સૂપડા સાફ
હિંસક જન-ઝેડ આંદોલન બાદ પ્રથમ ચૂંટણીમાં નવી રચાયેલી RSP ની પ્રચંડ જીત: પૂર્વ PM કે.પી. શર્મા ઓલી પોતાની બેઠક પર પાછળ; યુવા જોશ સામે સામ્યવાદી કિલ્લાઓ ધરાશાયી

કાઠમંડુ: હિમાલયના ખોળે વસેલા નેપાળમાં અત્યારે રાજકીય ભૂકંપ આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં ‘જનરલ ઝેડ’ (યુવા પેઢી) દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનોએ કે.પી. શર્મા ઓલીની સરકારને ઉથલાવી દીધા બાદ રમાયેલા ચૂંટણી જંગના પરિણામો ચોંકાવનારા આવી રહ્યા છે. એક સમયે રેપર તરીકે જાણીતા અને કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહની આગેવાની હેઠળની ‘રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી’ (RSP) અત્યારે નેપાળમાં સત્તાના સિંહાસન તરફ તેજ ગતિએ આગળ વધી રહી છે.
ચૂંટણી પંચના તાજેતરના આંકડા મુજબ, ૯૪ મતવિસ્તારોમાંથી RSP ના ઉમેદવારો ૭૦ બેઠકો પર લીડ જાળવી રહ્યા છે. સૌથી મોટો ઉલટફેર ઝાપા-૫ બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં ખુદ પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી પોતાના હરીફ બાલેન્દ્ર શાહ કરતા ૬,૦૦૦ થી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે. નેપાળી કોંગ્રેસ અને CPN-UML જેવા પરંપરાગત પક્ષો માત્ર ગણતરીની બેઠકો પર જ અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહ્યા છે.
યુવા ઉમેદવારોનો દબદબો અને દિગ્ગજોની હાર
કાઠમંડુની બેઠકો પર રંજુ દર્શના, બિરાજ ભક્ત શ્રેષ્ઠ અને ગણેશ પારાજુલીએ શાનદાર જીત મેળવીને સાબિત કરી દીધું છે કે નેપાળની જનતા હવે જૂના ચહેરાઓથી કંટાળી ગઈ છે. બીજી તરફ, માઓવાદી નેતા પ્રચંડ (પુષ્પ કમલ દહલ) પણ પોતાની બેઠક બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. નેપાળી કોંગ્રેસના ગગન થાપા અને CPN-UML ના બિષ્ણુ પૌડેલ જેવા દિગ્ગજ નેતાઓ સામે RSP ના યુવા ઉમેદવારોએ જબરદસ્ત ટક્કર આપી છે.
શા માટે બદલાયો નેપાળનો મિજાજ?
ગયા વર્ષે નેપાળના યુવાનોએ રસ્તા પર ઉતરીને ભ્રષ્ટાચાર અને જૂની શાસન પદ્ધતિ સામે જે આંદોલન કર્યું હતું, તેનું પ્રતિબિંબ આજે વોટિંગ મશીનોમાં જોવા મળી રહ્યું છે. ૨૦૨૨ માં સ્થપાયેલી RSP એ બાલેન્દ્ર શાહને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરીને પરિવર્તનની આશા જન્માવી હતી. ગુરુવારે થયેલા ૬૦ ટકા જેટલા મતદાન બાદ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નેપાળમાં સામ્યવાદી વિચારધારાને બદલે હવે નવી પેઢીનું શાસન આવવા જઈ રહ્યું છે. શનિવાર સુધીમાં ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ જશે, પરંતુ અત્યારે તો નેપાળની ગલીઓમાં ‘બાલેન’ ના નારા ગુંજી રહ્યા છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
