<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

પશ્ચિમ એશિયામાં ‘કયામત’ જેવો માહોલ: ટ્રમ્પની ઈરાનને બિનશરતી શરણાગતિની છેલ્લી ચેતવણી, ઇઝરાયલના ૫૦ ફાઈટર જેટ્સે ખામેનીનું સિક્રેટ બંકર ઉડાવી દીધું

યુદ્ધના ૭મા દિવસે તેલ અવીવથી તેહરાન સુધી મિસાઈલોનો વરસાદ: અમેરિકાએ ૧૦૦ કલાકમાં ₹૩૧,૦૦૦ કરોડનો ધૂમાડો કર્યો; સાઉદી અરેબિયા પરના હુમલા નિષ્ફળ, ક્રૂડ ઓઈલ $૧૫૦ ને પાર જવાની દહેશત

તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ્સને સીધી ધમકી આપતા જણાવ્યું છે કે, જો તેઓ બિનશરતી શરણાગતિ નહીં સ્વીકારે તો તેમનો સંપૂર્ણ વિનાશ નિશ્ચિત છે. ટ્રમ્પે ઈરાની રાજદ્વારીઓને "નવું ઈરાન" બનાવવા માટે સાથ આપવા અપીલ કરી છે. દરમિયાન ઇઝરાયલે દાવો કર્યો છે કે તેમના ૫૦ ફાઈટર જેટ્સે ઈરાનમાં ઘૂસીને સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીના અત્યંત સુરક્ષિત ‘ઇમર્જન્સી કમાન્ડ સેન્ટર’ (બંકર) ને નસ્ત કરી દીધું છે.
   યુદ્ધની આગ હવે સાઉદી અરેબિયા સુધી પણ પહોંચી છે. સાઉદી હવાઈ સંરક્ષણ દળે રિયાધ નજીક પ્રિન્સ સુલતાન એર બેઝને નિશાન બનાવી રહેલી ત્રણ ઈરાની બેલિસ્ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડી છે. બીજી તરફ, ઈરાને ઇઝરાયલના મુખ્ય શહેરો તેલ અવીવ, હાઈફા અને જેરુસલેમ પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે, જેના કારણે લાખો લોકો બંકરોમાં કેદ થયા છે.
અબજો ડોલરનો ધૂમાડો અને વૈશ્વિક સંકટ: એક ચોંકાવનારા અહેવાલ મુજબ, યુદ્ધના પ્રથમ ૧૦૦ કલાકમાં જ અમેરિકાએ અંદાજે $૩.૭ બિલિયન (આશરે ₹૩૧,૦૦૦ કરોડ) ખર્ચ્યા છે. આ આર્થિક બોજ છતાં અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ચેતવણી આપી છે કે આ તો માત્ર શરૂઆત છે અને હજુ પણ મોટું સૈન્ય ઓપરેશન બાકી છે. આ યુદ્ધની અસર વિશ્વભરના ખિસ્સા પર પડવાની છે. કતારના ઉર્જા મંત્રીએ ચેતવણી આપી છે કે જો જંગ ચાલુ રહ્યો તો ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $૧૫૦ ને પાર કરી જશે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG ના ભાવ પર પડશે.
ઘટનાક્રમની મોટી વાતો:
 ઇઝરાયલી હુમલામાં ઈરાની અધિકારી અસગર હિજાઝીના મોતથી તેહરાનમાં ખળભળાટ મચી ગયો છે.
લેબનોનમાં તારાજી: ઇઝરાયલી વાયુસેનાએ લેબનોનના સિડોન અને ટાયર જેવા શહેરોમાં અંધાધૂંધ બોમ્બમારો કર્યો છે, જેમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ સળગી રહ્યા છે.
શ્રીલંકન નૌકાદળે ટોર્પિડો હુમલાનો શિકાર બનેલા ઈરાની યુદ્ધ જહાજ 'IRIS દેના' ના ૩૨ ખલાસીઓને બચાવ્યા છે.
 અઝરબૈજાને ઈરાનમાંથી પોતાના તમામ રાજદ્વારીઓને પાછા ખેંચી લીધા છે, જેનાથી પડોશી દેશો વચ્ચે પણ યુદ્ધ ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે.
ચોતરફથી ઘેરાયેલું ઈરાન હવે હાર સ્વીકારે છે કે પછી આત્મઘાતી વળતો પ્રહાર કરે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. ચીન પણ પોતાના તેલ અને ગેસ જહાજો માટે સુરક્ષિત રસ્તો શોધવા ઈરાન પર દબાણ વધારી રહ્યું છે

(8:34 PM IST)