તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
ડોનાલ્ડ ટ્રમ્પ પર ૧૩ થી ૧૫ વર્ષની સગીરાના યૌન શોષણનો આરોપ: એપ્સ્ટીન ફાઇલ્સમાંથી ગુમ થયેલા દસ્તાવેજો જાહેર
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી: વ્હાઇટ હાઉસે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

વોશિંગ્ટન: અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જેફરી એપ્સ્ટીન કેસને લગતા નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. આ ફાઇલોમાં એફબીઆઇના એવા ઇન્ટરવ્યુ સામેલ છે જેમાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ૧૯૮૦ના દાયકામાં, જ્યારે તેની ઉંમર ૧૩ થી ૧૫ વર્ષની હતી, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેનું યૌન શોષણ કર્યું હતું. નોંધનીય છે કે આ દસ્તાવેજો અગાઉ જાહેર કરાયેલી એપ્સ્ટીન ફાઇલ્સમાંથી ગાયબ હતા. આ વિગતો એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોને સનસનાટીભર્યા અને ખોટા ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થયેલા યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક નવો રાજકીય અને કાનૂની વિવાદ ઊભો થયો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે તાજેતરમાં જેફરી એપ્સ્ટીન કેસને લગતા એવા દસ્તાવેજો જાહેર કર્યા છે, જે અગાઉ ડિસેમ્બરમાં જાહેર કરાયેલી ફાઇલોમાંથી ગુમ હતા.
એનપીઆર, સીએનએન અને વોલ સ્ટ્રીટ જર્નલ જેવા અગ્રણી આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મ્સના સત્તાવાર અહેવાલો અનુસાર, આ ગુમ થયેલા દસ્તાવેજોમાં ટ્રમ્પ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
આ નવા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં ૨૦૧૯માં એફબીઆઇ દ્વારા લેવામાં આવેલા કેટલાક ઇન્ટરવ્યુની નોંધ છે. આ ઇન્ટરવ્યુમાં એક મહિલાએ દાવો કર્યો છે કે ૧૯૮૦ના દાયકામાં જ્યારે તે માત્ર ૧૩ થી ૧૫ વર્ષની સગીરા હતી, ત્યારે જેફરી એપ્સ્ટીન અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેનું શારીરિક અને યૌન શોષણ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ દસ્તાવેજો અગાઉ જાણીજોઈને છુપાવવામાં આવ્યા ન હતા, પરંતુ ભૂલથી 'ડુપ્લિકેટ' તરીકે વર્ગીકૃત થઈ ગયા હોવાથી તે અગાઉની જાહેર થયેલી ફાઇલ્સમાં સામેલ થઈ શક્યા ન હતા.
આ અહેવાલો એવા તણાવપૂર્ણ સમયે બહાર આવ્યા છે જ્યારે અમેરિકન સૈન્ય ઈરાન સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહી ચલાવી રહ્યું છે. કેટલાક વિવેચકો અને ડેમોક્રેટ નેતાઓએ શંકા વ્યક્ત કરી છે કે શું આ દસ્તાવેજો ચૂંટણી કે અન્ય કારણોસર જાણીજોઈને છુપાવવામાં આવ્યા હતા કે કેમ, અને આ મામલે તપાસની માંગ પણ શરૂ થઈ ગઈ છે.
હાઉસ ઓવરસાઇટ કમિટીએ આ અંગે એટર્ની જનરલ પામ બોન્ડીને પૂછપરછ માટે બોલાવ્યા હોવાના પણ અહેવાલો છે.
બીજી તરફ, વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ નિવેદન આપ્યું છે કે આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને માત્ર સનસનાટી ફેલાવનારા છે, જે ૨૦૨૦ની ચૂંટણી પહેલા એફબીઆઇ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પે સતત એવો બચાવ કર્યો છે કે તેઓ એપ્સ્ટીનના કોઈપણ ગુનાહિત કાર્યો વિશે જાણતા ન હતા અને આ ફાઇલ્સના પ્રકાશનથી તેઓ સંપૂર્ણપણે નિર્દોષ સાબિત થયા છે.
હાલમાં, આ ખુલાસાઓએ અમેરિકન રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ ઈરાન સાથેનું યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે, તો બીજી તરફ આ જૂના આરોપોએ ટ્રમ્પ પ્રશાસન માટે ઘરઆંગણે નવી મુશ્કેલીઓ સર્જી છે.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
