હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનમાં પેટ્રોલ રૂ.૩૨૧ પ્રતિ લિટર પારઃ ડીઝલનો ૩૩૫.૮૬ રૂપિયા
મધ્ય પૂર્વ તણાવની અસરઃ પાકિસ્તાન પાસે હાલ માત્ર લગભગ ૨૬ દિવસ જેટલો જ ઇંધણનો જથ્થો બાકી

કરાચી,તા.૭: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વધતા તણાવનો પ્રભાવ હવે વૈશ્વિક ઊર્જા બજારમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર પાડોશી દેશ પાકિસ્તાનમાં જોવા મળી છે, જ્યાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો જાહેર કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર મુજબ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર લગભગ ૫૫ પાકિસ્તાની રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ મધ્યરાત્રિથી અમલમાં આવ્યા છે. હવે દેશમાં પેટ્રોલની કિમત લગભગ ૩૨૧ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલનો ભાવ લગભગ ૩૩૫.૮૬ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. આ વધારો લગભગ ૧૭ ટકા જેટલો ગણાય છે.
તાજેતરના અહેવાલો મુજબ પાકિસ્તાન પાસે હાલ માત્ર લગભગ ૨૬ દિવસ જેટલો જ ઇંધણનો જથ્થો બાકી હોવાનું કહેવાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સરકાર અને નિષ્ણાતો ઇંધણ બચત માટે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં ઘરેથી કામ (વર્ક ફ્રોમ હોમ) અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની ચર્ચા પણ ચાલી રહી છે.
આ ભાવ વધારાની જાહેરાત દેશના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી. આ કાર્યક્રમમાં ઉપ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર તથા નાણા મંત્રી મોહમ્મદ ઔરંગઝેબ પણ હાજર રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું કે, ઇરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ઝડપથી વધી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક ઉત્પાદનોના ભાવમાં ૫૦ થી ૭૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે.
ઇશાક ડારે જણાવ્યું કે સરકાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે અન્ય દેશો સાથે સંપર્કમાં છે. તેમણે ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં વધતી પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે વિશ્વના મોટા ભાગનું તેલ આ માર્ગ દ્વારા જ પસાર થાય છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય બનશે ત્યારબાદ સરકાર ભાવમાં ઘટાડો કરવા માટે પગલાં લઈ શકે છે. સરકાર દર અઠવાડિયે કિમતોની સમીક્ષા પણ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
