<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સાઉદી અરેબિયાનો અમેરિકાને જોરદાર આંચકો: ઈરાની હુમલાઓ વચ્ચે ચીન સાથે 5 અબજ ડોલરની ડીલ: જેદ્દાહમાં બનશે ઘાતક ડ્રોન

મધ્ય પૂર્વમાં સત્તાના સમીકરણો બદલાયા: અમેરિકી ડ્રોનના બદલે ચીની 'વિંગ લૂંગ-3' પર ભરોસો મૂકી સાઉદીએ જેદ્દાહમાં દર વર્ષે 48 ડ્રોન બનાવવાની એસેમ્બલી લાઇન સ્થાપવા કર્યા ઐતિહાસિક હસ્તાક્ષર

બેઇજિંગ  : પશ્ચિમ એશિયાના રણમેદાનમાં રણનીતિ બદલાઈ રહી છે. ઈરાની હુમલાઓથી સતત જોખમ અનુભવી રહેલા સાઉદી અરેબિયાએ હવે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને ચીનનો હાથ પકડ્યો છે. એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના અને સાઉદી મિલિટરી ઓથોરિટી વચ્ચે થયેલા $5 અબજના આ ઐતિહાસિક કરાર હેઠળ જેદ્દાહમાં અત્યાધુનિક ડ્રોન ફેક્ટરી સ્થાપવામાં આવશે. આ ડીલ માત્ર હથિયારોની ખરીદી નથી, પરંતુ સાઉદીના 'વિઝન 2030' અંતર્ગત પોતાના દેશમાં જ યુદ્ધ સામગ્રી તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું છે, જે સીધો જ વોશિંગ્ટનના વર્ચસ્વને પડકાર આપે છે.

સાઉદી અરેબિયાએ અમેરિકાના 'પ્રિડેટર' ડ્રોનના મુકાબલે ચીની 'વિંગ લૂંગ-3' ડ્રોનની પસંદગી પાછળ તેની ચોકસાઈ અને આધુનિક ટેકનોલોજીને જવાબદાર ગણાવી છે. આ ડ્રોન 200 થી વધુ લડાયક મિશનમાં પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યું છે. તેની સૌથી મોટી વિશેષતા તેની ઇન્ટેલિજન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ છે, જે માત્ર 0.3 સેકન્ડમાં દુશ્મનના લક્ષ્યને શોધીને તેના પર લૉક થઈ જાય છે. વધુમાં, તેની એન્ટિ-જામિંગ ક્ષમતા જૂના મોડલ કરતા 40% વધુ હોવાથી તે યુદ્ધના મેદાનમાં ઈલેક્ટ્રોનિક અવરોધો વચ્ચે પણ દુશ્મનનો સફાયો કરવામાં સક્ષમ છે.

આ કરારથી મધ્ય પૂર્વના રાજકારણમાં ચીનનો પ્રવેશ વધુ મજબૂત બન્યો છે. ઈરાન અને સાઉદી વચ્ચેના તણાવમાં જ્યારે અમેરિકાની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ચીને ટેકનોલોજી ટ્રાન્સફર અને સ્થાનિક ઉત્પાદનની સુવિધા આપીને સાઉદીને પોતાની તરફ ખેંચ્યું છે. જેદ્દાહમાં સ્થપાનારી એસેમ્બલી લાઇનમાંથી દર વર્ષે 48 ઘાતક ડ્રોન બહાર આવશે, જે સાઉદી વાયુસેનાને પડોશી દેશો અને આતંકવાદી સંગઠનો સામે અભેદ કવચ પૂરું પાડશે. આ સોદો સાબિત કરે છે કે હવે સાઉદી અરેબિયા પોતાની સુરક્ષા માટે માત્ર પશ્ચિમી દેશોના ભરોસે રહેવા માંગતું નથી.

(7:32 PM IST)