News of Saturday, 7th March 2026
માર્ચમાં જ સૂર્યદેવનો પ્રકોપ: પાંચ રાજ્યોમાં 'હીટવેવ'નું એલર્ટ : અમરાવતી 40.8 ડિગ્રી સાથે ભઠ્ઠીની જેમ શેકાયું!
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આકરી ગરમીના એંધાણ: પશ્ચિમી વિક્ષેપની ગેરહાજરી અને સ્વચ્છ આકાશને કારણે પારો 41 ડિગ્રીને પાર જવાની શક્યતા

નવી દિલ્હી : દેશમાં હજુ તો ઉનાળાની શરૂઆત માંડ થઈ છે ત્યાં જ આકરી ગરમીએ લોકોને પરસેવે રેબઝેબ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના પાંચ રાજ્યો માટે હીટવેવનું એલર્ટ જારી કર્યું છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું મોજું ફૂંકાવાની પ્રબળ શક્યતા છે. મહારાષ્ટ્રનું અમરાવતી અત્યારે મેદાની વિસ્તારોમાં સૌથી ગરમ શહેર સાબિત થયું છે, જ્યાં તાપમાનનો પારો 40.8 ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો છે, જે માર્ચ મહિનાની અપેક્ષાએ ઘણો વધારે છે.
હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ ની ગેરહાજરીને કારણે વરસાદની કોઈ શક્યતા નથી, જેને પગલે આકાશ એકદમ સ્વચ્છ છે અને સૂર્યના સીધા કિરણો ધરતીને તપાવી રહ્યા છે. રાજસ્થાનના જેસલમેર અને જોધપુર જેવા રણ વિસ્તારોમાં આ સપ્તાહના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જઈ શકે છે. દિલ્હી-NCR માં પણ પારો સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યો છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનોને કારણે લોકોને હમણાંથી જ મે મહિના જેવી કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
આગામી 10 અને 11 માર્ચ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન અને કોંકણ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપી છે. ગુજરાતમાં પણ દરિયાકાંઠાના ભેજવાળા પવનો અને વધતા તાપમાનને કારણે 'ડિસ્કમ્ફર્ટ ઇન્ડેક્સ' વધી રહ્યો છે, જેનાથી ગરમી વધુ અસહ્ય લાગશે. માર્ચ મહિનામાં જ જોવા મળી રહેલો આ ટ્રેન્ડ સૂચવે છે કે આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
