હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તેલના ખેલમાં ભારતની 'માસ્ટરસ્ટ્રોક' ગેમ: મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વચ્ચે પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રહેશે 'લોક'
વૈશ્વિક તેલ કટોકટીના વાદળો છતાં મોદી સરકારની ગેરંટી: હોર્મુઝની સામુદ્રધુની પર નિર્ભરતા ઘટાડી 70% આયાત સુરક્ષિત કરી : LPG અને LNGનો મજબૂત ભંડાર સામાન્ય જનતાને આપશે મોટી રાહત

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે વધતા તણાવને કારણે જ્યારે આખી દુનિયા તેલના ભાવ ભડકે બળવાની આશંકાથી ધ્રૂજી રહી છે, ત્યારે ભારત સરકારે સામાન્ય જનતાને મોટી ભેટ આપી છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ ગેરંટી આપી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. વિપક્ષી દળો દ્વારા ભાવવધારાની જે અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી, તેને સરકારે પાયાવિહોણી ગણાવી ફગાવી દીધી છે. સરકારના આ આત્મવિશ્વાસ પાછળનું મુખ્ય કારણ ભારતનો સતત મજબૂત થઈ રહેલો ઉર્જા ભંડાર અને વ્યૂહાત્મક આયોજન છે.
ભારતે આ વખતે અત્યંત ચતુરાઈપૂર્વક પોતાની તેલ આયાતની રણનીતિ બદલી નાખી છે. અગાઉ ભારત તેના કુલ ક્રૂડ ઓઈલના પુરવઠા માટે હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પર નિર્ભર હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. તાજેતરના આંકડા મુજબ, ભારતની 70% તેલ આયાત હવે સુરક્ષિત અને વૈવિધ્યસભર સ્ત્રોતોમાંથી થઈ રહી છે, જે આ યુદ્ધગ્રસ્ત વિસ્તારોની બહાર છે. આનો અર્થ એ છે કે જો મધ્ય પૂર્વના દરિયાઈ માર્ગો બંધ પણ થાય, તો પણ ભારતની રસોઈ અને રસ્તાઓ પર દોડતા વાહનો અટકશે નહીં.
બળતણની સાથે ગેસના મોરચે પણ ભારત સંપૂર્ણ રીતે સજ્જ છે. LPG સ્ટોક અંગેની અગાઉની ચિંતાઓ હવે દૂર થઈ ગઈ છે અને LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)ના પુરવઠા માટે પણ કતાર જેવા દેશોએ ભારતને ખાતરી આપી છે. સરકારના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં પૂરતો ગેસ ભંડાર ઉપલબ્ધ છે, તેથી ભાવમાં કોઈ અચાનક ઉછાળો આવવાની શક્યતા નથી. આ વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતની આ 'એનર્જી સિક્યોરિટી' માત્ર આર્થિક સ્થિરતા જ નહીં, પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ હળવો રાખવામાં પણ મોટી જીત સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
