News of Saturday, 7th March 2026
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સાઈડ ઇફેક્ટ : દુબઈની ટિકિટમાં 80% નો તોતિંગ વધારો : વેકેશનનું બજેટ ખોરવાયું
મધ્ય પૂર્વના એરસ્પેસ બંધ થતા એરલાઈન્સના રૂટ લાંબા થયા: દિલ્હી-ફ્રેન્કફર્ટનું ભાડું ₹1.5 લાખને પાર : પ્રવાસીઓ માટે હવે 'યુરોપ ટૂર' બની મોંઘું સપનું!

મુંબઈ : મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓની સીધી અસર હવે સામાન્ય પ્રવાસીઓના ખિસ્સા પર દેખાઈ રહી છે. જો તમે આગામી દિવસોમાં દુબઈ કે યુરોપ જવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે બજેટમાં મોટો કાપ મૂકવો પડી શકે છે. છેલ્લા એક સપ્તાહમાં દુબઈ જતી ફ્લાઈટ્સના ભાડામાં 60% થી 80% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ માત્ર મુસાફરોનો ધસારો નથી, પરંતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારો પરથી વિમાન ઉડાડવાના જોખમને કારણે અનેક દેશોએ પોતાના હવાઈ માર્ગો (એરસ્પેસ) બંધ કરી દીધા છે, જેના કારણે એરલાઈન્સે લાંબા અને વૈકલ્પિક રૂટ પસંદ કરવા પડી રહ્યા છે.
આ હવાઈ કટોકટીમાં ઈંધણનો વધતો વપરાશ અને વીમા પ્રીમિયમમાં થયેલો વધારો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. યુરોપના લોકપ્રિય સ્થળો જેવા કે જર્મની અને પોર્ટુગલની ટિકિટો પણ 40% જેટલી મોંઘી થઈ ગઈ છે. સ્થિતિ એટલી ગંભીર છે કે દિલ્હીથી ફ્રેન્કફર્ટ જતી ઈકોનોમી ક્લાસની ટિકિટ જે સામાન્ય રીતે વ્યાજબી હોય છે, તે હવે ₹1.5 લાખને વટાવી ગઈ છે. આ ઉપરાંત, દુબઈ રૂટ પરની અડધાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાયા છે અને સીટો માટે પડાપડી થઈ રહી છે.
ટ્રાવેલ નિષ્ણાતો મુસાફરોને અત્યારે ઉતાવળમાં બુકિંગ ન કરવાની અને શક્ય હોય તો આગામી 15 દિવસ સુધી પ્રવાસ ટાળવાની સલાહ આપી રહ્યા છે. અનેક ટ્રાવેલ એજન્સીઓ હવે મુસાફરોને રિફંડપાત્ર હોટેલ સ્ટે અને વિશેષ 'વોર ઇન્સ્યોરન્સ' કવરેજ લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે જેથી ફ્લાઈટ રદ થવાના કિસ્સામાં નાણાકીય નુકસાનથી બચી શકાય. જો મુસાફરી અનિવાર્ય હોય, તો સીધી ફ્લાઈટને બદલે કનેક્ટિંગ ફ્લાઈટ્સ પસંદ કરવાથી થોડી ઘણી બચત થઈ શકે છે, પરંતુ હાલ પૂરતું તો આકાશમાં પણ યુદ્ધની ગરમી પ્રવાસીઓને દઝાડી રહી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
