હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
YouTube બનશે નવું 'WhatsApp'! હવે વીડિયો જોતા-જોતા જ કરી શકશો ચેટિંગ : લિંક કોપી કરવાની ઝંઝટ ખતમ
ગૂગલે વીડિયો શેરિંગ પ્લેટફોર્મને આપ્યું સોશિયલ મીડિયાનું નવું રૂપ: સાઇન-ઇન યુઝર્સ સીધા એપ્લિકેશનમાં જ મેસેજ અને વીડિયો મોકલી શકશે

નવી દિલ્હી : દુનિયાના સૌથી લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ YouTube એ સોશિયલ મીડિયાની દુનિયામાં એક મોટો ધડાકો કર્યો છે. હવે તમારે કોઈ મજેદાર વીડિયો મિત્રોને મોકલવા માટે લિંક કોપી કરીને WhatsApp કે ઇન્સ્ટાગ્રામ પર જવાની જરૂર નહીં પડે. YouTube એક નવું ઇન-એપ મેસેજિંગ ફીચર લાવી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ વીડિયો જોતી વખતે જ એકબીજા સાથે ચેટ કરી શકશે અને વીડિયો શેર કરી શકશે. રસપ્રદ વાત એ છે કે YouTube એ વર્ષો પહેલા આવી સુવિધા બંધ કરી દીધી હતી, પરંતુ યુઝર્સની માંગ અને સ્પર્ધાને જોતા હવે તેને વધુ આધુનિક અને સુરક્ષિત રીતે ફરીથી લોન્ચ કરવામાં આવી રહી છે.
આ નવી સુવિધાનો ઉપયોગ કરવા માટે કેટલીક શરતો રાખવામાં આવી છે, જે સુરક્ષાની દૃષ્ટિએ મહત્વની છે. આ ફીચરનો લાભ લેવા માટે યુઝરનું એકાઉન્ટ સાઇન-ઇન હોવું જોઈએ અને તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. આ ચેટિંગ સુવિધામાં 'અનસેન્ડ' (મોકલેલો મેસેજ પાછો ખેંચવો) નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જ્યારે સામેની વ્યક્તિ તમારી ચેટ રિક્વેસ્ટને સ્વીકારવી કે નકારવી તે નક્કી કરી શકશે. આનાથી YouTube હવે માત્ર એક એન્ટરટેઈનમેન્ટ એપ મટીને એક સંપૂર્ણ ઇન્ટરેક્ટિવ કમ્યુનિકેશન પ્લેટફોર્મ બની જશે, જ્યાં તમે તમારા ગમતા ક્રિએટર્સ અને મિત્રો સાથે સીધા જોડાઈ શકશો.
હાલમાં આ ફીચર પોલેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને સ્પેન સહિતના યુરોપિયન દેશોમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. ભારતીય યુઝર્સ માટે આતુરતાની વાત એ છે કે ગૂગલ અત્યારે આ દેશોમાં યુઝર્સના પ્રતિસાદની રાહ જોઈ રહ્યું છે. જો ત્યાં આ પ્રયોગ સફળ રહેશે, તો ટૂંક સમયમાં જ ભારત જેવા મોટા માર્કેટમાં પણ આ સુવિધા લોન્ચ કરવામાં આવશે. અત્યારે તો ભારતીય યુઝર્સે થોડી રાહ જોવી પડશે, પરંતુ તે દિવસો દૂર નથી જ્યારે YouTube ના ઇનબોક્સમાં પણ WhatsApp જેવી જ રોનક જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
