હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આકાશી અવરોધો દૂર: અમીરાતે ફરી શરૂ કરી ફ્લાઇટસ, એરપોર્ટ પર મુસાફરોનો ધસારો શરૂ - જાણો કોણ મુસાફરી કરી શકશે?
યુદ્ધ જેવી સ્થિતિ અને સુરક્ષા કારણોસર લાદવામાં આવેલ કામચલાઉ પ્રતિબંધ હટાવાયો; બપોર પછીની કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને એરપોર્ટ પહોંચવા લીલી ઝંડી

દુબઈ: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સુરક્ષાની ચિંતાઓને પગલે દુબઈની દિગ્ગજ એરલાઇન 'અમીરાત' દ્વારા સ્થગિત કરવામાં આવેલી ફ્લાઇટ સેવાઓ હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. એરલાઇને સત્તાવાર જાહેરાત કરી છે કે અસ્થાયી વિરામ બાદ હવે ફ્લાઇટ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ સમાચારથી હજારો ફસાયેલા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
કોણ મુસાફરી કરી શકશે?
અમીરાતે સ્પષ્ટતા કરી છે કે જે મુસાફરો પાસે આજની (૭ માર્ચ) બપોર પછીની ફ્લાઇટ્સ માટે કન્ફર્મ બુકિંગ છે, તેઓ હવે એરપોર્ટ પર જઈ શકે છે. આ સુવિધા એવા મુસાફરો માટે પણ છે જેઓ દુબઈ થઈને અન્ય દેશોમાં ટ્રાન્ઝિટ કરવાના છે, જો તેમની કનેક્ટિંગ ફ્લાઇટ પણ કાર્યરત હોય. જોકે, એરલાઇને હજુ પણ સાવચેતીના ભાગરૂપે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ રવાના થતા પહેલા તેમની ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ ઓનલાઇન ચેક કરી લે.
રિબુકિંગ અને રિફંડની મોટી સુવિધા
વિક્ષેપને કારણે જે મુસાફરોની મુસાફરી ખોરવાઈ છે, તેમના માટે અમીરાતે ઉદાર વલણ અપનાવ્યું છે. ૨૮ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ વચ્ચે મુસાફરી કરવાના હતા તેવા ગ્રાહકો ૩૦ એપ્રિલ સુધીમાં પોતાની ફ્લાઇટ ફરીથી બુક કરાવી શકશે અથવા કોઈપણ વધારાના ચાર્જ વગર રિફંડની માંગ કરી શકશે. એરલાઇને હાલમાં શહેરના ચેક-ઇન પોઇન્ટ્સ બંધ રાખ્યા છે, તેથી તમામ પ્રક્રિયા એરપોર્ટ પર જ પૂર્ણ કરવાની રહેશે.
સુરક્ષા સર્વોપરી
અગાઉ ઇરાન-ઇઝરાયલ તણાવ અને દુબઈ એરપોર્ટ નજીક સંભળાયેલા વિસ્ફોટોના અહેવાલોને પગલે એરલાઇને તમામ સેવાઓ બંધ કરી દીધી હતી. અમીરાતના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે." હાલમાં એરલાઇન પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે અને જરૂરિયાત મુજબ શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
જો તમે પણ દુબઈ જવાનું કે ત્યાંથી પરત આવવાનું આયોજન કરી રહ્યા હોવ, તો તમારી સંપર્ક વિગતો એરલાઇન પાસે અપડેટ રાખવી જેથી કોઈપણ તાત્કાલિક ફેરફારની જાણકારી તમને સીધી મળી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
