હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝ 'ડેન્જર ઝોન' બન્યો: હજારો તેલના જહાજો ફસાયા : જો એક વિસ્ફોટ થયો તો આખા વિશ્વમાં લાવશે વિનાશ
વૈશ્વિક અર્થતંત્રના ગળા સમાન હોર્મુઝ સ્ટ્રેટમાં મરીન ટ્રાફિક જામ: જહાજો પોતાની ઓળખ છુપાવીને જીવના જોખમે કરી રહ્યા છે મુસાફરી : ઈરાન અને અમેરિકા વચ્ચેની સીધી ટક્કરથી વિશ્વયુદ્ધના એંધાણ

દુબઈ : વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ અને ગેસના 20% હિસ્સાનું વહન કરતી હોર્મુઝની સામુદ્રધુની અત્યારે વિસ્ફોટક સ્થિતિમાં છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ હજારો ઓઈલ ટેન્કરો અને કાર્ગો જહાજો આ સાંકડા દરિયાઈ માર્ગમાં ફસાઈ ગયા છે. મરીનટ્રાફિકના ચોંકાવનારા ડેટા મુજબ, સામાન્ય રીતે સેંકડો જહાજોથી ધમધમતા આ માર્ગ પર સોમવારથી અત્યાર સુધી માત્ર નવ જહાજો જ પસાર થઈ શક્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે જે જહાજો આગળ વધી રહ્યા છે, તેઓ ડરના માર્યા પોતાની ઓળખ છુપાવીને 'બ્લેકઆઉટ' હેઠળ મુસાફરી કરી રહ્યા છે, જેથી તેઓ દુશ્મન મિસાઈલોનું લક્ષ્ય ન બને.
આ સંકટ માત્ર તેલની અછત પૂરતું મર્યાદિત નથી, પરંતુ એક ભયાનક પર્યાવરણીય અને સામરિક હોનારતની આશંકા જન્માવી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ સાંકડા માર્ગમાં હજારો ટેન્કરો એકબીજાની અત્યંત નજીક ઉભા છે. જો ભૂલથી પણ એક જહાજ પર હુમલો થાય અથવા વિસ્ફોટ થાય, તો તેની 'ચેન રિએક્શન' શરૂ થઈ શકે છે, જેમાં એક પછી એક અનેક ટેન્કરો સળગી ઉઠશે. આ વિનાશ માત્ર દરિયાઈ જીવસૃષ્ટિને જ ખતમ નહીં કરે, પરંતુ તેલના ભાવને એટલી ઊંચાઈએ લઈ જશે કે વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા પત્તાના મહેલની જેમ તૂટી પડશે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ ફસાયેલા જહાજોમાં માત્ર અમેરિકા કે ઈરાનના જ નહીં, પરંતુ રશિયા, ચીન અને યુરોપના શક્તિશાળી દેશોના જહાજો પણ સામેલ છે. અમેરિકાએ આ ટેન્કરોને સુરક્ષિત બહાર કાઢવા માટે નૌકાદળ મોકલવાની જાહેરાત કરી છે, જેની સામે ઈરાને સીધો પડકાર ફેંક્યો છે. જો આ સંઘર્ષમાં કોઈ અન્ય દેશના જહાજને સહેજ પણ નુકસાન પહોંચશે, તો રશિયા કે ચીન જેવા દેશો પણ યુદ્ધમાં કૂદી શકે છે. આમ, હોર્મુઝની આ નાનકડી પટ્ટી અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના 'ફ્લેશપોઈન્ટ' માં ફેરવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
