<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ગૌરક્ષા માટે હવે 'ધર્મયુદ્ધ': "આજના રાજાઓ ગાયને માતા નહીં પણ માત્ર મિલકત સમજે છે", જૌનપુરની ધરતી પરથી શંકરાચાર્યનો સરકાર પર સીધો પ્રહાર

૧૧ માર્ચે લખનૌથી વગાડશે આંદોલનનું બ્યુગલ; શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ભગવાન પરશુરામનું ઉદાહરણ આપી અન્યાય સામે અવાજ ઉઠાવવા ભક્તોને કર્યું આહ્વાન

જૌનપુર: જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગૌરક્ષાના મુદ્દે ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સામે રણશિંગુ ફૂંક્યું છે. શનિવારે જૌનપુરના ઐતિહાસિક જમૈથા ગામ પહોંચેલા શંકરાચાર્યએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, જે સરકારો ગાયના નામે સત્તામાં આવી છે, તે જ આજે ગાયને માતા માનવાને બદલે માત્ર એક 'મિલકત' તરીકે જોઈ રહી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે આવા રાજાઓને પડકારવાનો સમય આવી ગયો છે.
પરશુરામની ધરતી પરથી સંકલ્પ
ગોમતી નદીના કિનારે મહર્ષિ જમદગ્નિના આશ્રમમાં પૂજા કર્યા બાદ શંકરાચાર્યએ ઇતિહાસની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, "જ્યારે તે સમયના અહંકારી રાજાએ મહર્ષિ જમદગ્નિની ગાય બળજબરીથી છીનવી લીધી હતી, ત્યારે ભગવાન પરશુરામે શસ્ત્ર ઉઠાવીને અન્યાયી રાજાનો નાશ કર્યો હતો. આજે ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું છે." સનાતન પરંપરામાં ગાયનું સ્થાન સર્વોપરી છે અને જો સરકાર તેને કાયદાકીય રક્ષણ આપવામાં નિષ્ફળ જાય, તો તે કરોડો શ્રદ્ધાળુઓનું અપમાન છે.
૧૧ માર્ચે લખનૌમાં મોટું એલાન
શંકરાચાર્યએ ગૌહત્યા વિરોધી કડક કાયદાની માંગ કરતા જણાવ્યું કે, જનતા જે પ્રતિનિધિઓને વિધાનસભામાં મોકલે છે, તેઓ જનભાવના મુજબ ગૌરક્ષાનો મુદ્દો ઉઠાવતા નથી. આ ઉદાસીનતા સામે હવે આરપારની લડાઈ લડવામાં આવશે. આગામી ૧૧ માર્ચના રોજ લખનૌ ખાતેથી તેઓ આ 'ધર્મયુદ્ધ'ની વિધિવત શરૂઆત કરશે, જેમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તો જોડાશે.
સંતોની જવાબદારી સત્ય બોલવાની છે
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આશ્રમમાં હાજર ભક્તોને સંબોધતા કહ્યું કે, સમાજ અને ધર્મનું રક્ષણ કરવા માટે સત્ય બોલવું અને સત્તા સામે અવાજ ઉઠાવવો એ સંત સમુદાયની નૈતિક જવાબદારી છે. તેમણે દરેક સનાતનીને ગૌરક્ષાના આ અભિયાનમાં જોડાવા અને ગાયને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો અપાવવા માટે એક થવા હાકલ કરી છે. જૌનપુરની આ મુલાકાતથી ગૌરક્ષાના આંદોલનને વેગ મળ્યો છે અને હવે સૌની નજર ૧૧ માર્ચના લખનૌના કાર્યક્રમ પર ટકેલી છે.

(9:06 PM IST)