<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

મોટી કોચિંગ સંસ્થાઓને વેદાંતનો 'જવાબ': દિલ્હી ગયા વગર ઘરે બેઠા સેલ્ફ સ્ટડીથી UPSC પાસ કરી, વારસાગત શિક્ષણના ભાથા સાથે બન્યો ઓફિસર

દાદા વાઇસ ચાન્સેલર, પિતા એન્જિનિયર અને માતા પ્રિન્સિપાલ; જયપુરના વેદાંતે 392મો ક્રમ મેળવી સાબિત કર્યું કે ડિજિટલ યુગમાં સફળતા સંસાધનોની નહીં પણ સંકલ્પની મહોતાજ છે

જયપુર: કહેવાય છે કે જો સંસ્કાર અને શિક્ષણના મૂળ મજબૂત હોય, તો સફળતાનું વૃક્ષ આકાશને આંબે છે. રાજસ્થાનની રાજધાની જયપુરના જવાહરનગરના રહેવાસી વેદાંત સિંહ ધાકડે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ૩૯૨મો રેન્ક મેળવીને આ વાત સાબિત કરી દીધી છે. વેદાંતની આ સિદ્ધિ એટલે ખાસ છે કારણ કે તેણે કોઈ પણ મોટા શહેરમાં જઈને મોંઘીદાટ કોચિંગ સંસ્થાઓમાં જોડાયા વગર, માત્ર સેલ્ફ સ્ટડી અને ટેકનોલોજીના સહારે આ મુકામ હાંસલ કર્યો છે.
શિક્ષણનો વારસો અને પરિવારનો સાથ
વેદાંત એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં શિક્ષણ એ જીવનનો પર્યાય છે. તેના દાદા પ્રોફેસર બી.એલ. વર્મા કોટા યુનિવર્સિટીના સ્થાપક વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. પિતા યાદવેન્દ્ર સિંહ વ્યવસાયે એન્જિનિયર છે અને માતા સંધ્યા ગેહલોત એક ખાનગી શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છે. બાળપણથી જ ઘરમાં અભ્યાસલક્ષી વાતાવરણ હોવાથી વેદાંત માટે વહીવટી સેવામાં જવાનું લક્ષ્ય સ્પષ્ટ હતું.
Law ના અભ્યાસથી UPSC સુધીની સફર
જોધપુરથી BA LLB પૂર્ણ કર્યા બાદ વેદાંતે નક્કી કર્યું હતું કે તે વકીલાતને બદલે નીતિનિર્માણ અને વહીવટ દ્વારા સમાજની સેવા કરશે. હાલમાં તે દિલ્હી-અંદમાન નિકોબાર વહીવટી સેવામાં તાલીમાર્થી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યો છે, પરંતુ તેનું લક્ષ્ય હંમેશા UPSC ના માધ્યમથી દેશના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું હતું.
ડિજિટલ લર્નિંગ: સફળતાનો નવો મંત્ર
વેદાંતે સાબિત કર્યું કે UPSC જેવી અઘરી પરીક્ષા માટે દિલ્હીના રૂમમાં રહીને જ તૈયારી કરવી જરૂરી નથી. તેણે ઈન્ટરનેટ અને ઓનલાઈન સંસાધનોનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કર્યો. વેદાંત કહે છે, "ઘરે અભ્યાસ કરવાથી મને મારી તૈયારીમાં ઊંડાણપૂર્વક ચિંતન કરવાનો સમય મળ્યો. જ્યારે પણ કોઈ મુંઝવણ થતી, ત્યારે ડિજિટલ પ્લેટફોર્મની મદદથી મેં મારા ડાઉટ્સ ક્લિયર કર્યા."
રાજસ્થાનના તેજસ્વી તારલાઓ
વેદાંતની સાથે જ આ વર્ષે રાજસ્થાનના અન્ય અનેક યુવાનોએ પણ મેદાન માર્યું છે. ચિત્તોડગઢના ડો. અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઇન્ડિયામાં ૧મો રેન્ક મેળવીને ઇતિહાસ રચી દીધો છે. આ ઉપરાંત ગૌરવ ચોપરા (રેન્ક ૮૩) અને સૌરભ શર્મા (રેન્ક ૧૪૬) સહિત અનેક યુવાનોએ રાજસ્થાનનું ગૌરવ વધાર્યું છે. વેદાંતની સફળતા એવા લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા છે જેઓ સંસાધનોના અભાવે પોતાના સપના પડતા મૂકે છે.

(9:08 PM IST)