<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ઓરાઈ SHO હત્યાકાંડ: 'લેડી કોન્સ્ટેબલ' મીનાક્ષી વિરુદ્ધ ૨૮૭ પાનાનું પાપનું પોટલું ખૂલ્યું! ૭૨ કલાકમાં ૧૦૦ કોલ, CCTV ફૂટેજ અને મોંઘી ભેટોના રહસ્યોએ મચાવ્યો ખળભળાટ

SIT એ કોર્ટમાં રજૂ કરી ચાર્જશીટ; યુનિફોર્મ વગર બ્રાન્ડેડ કપડામાં ફરતી મીનાક્ષીના ઈન્સ્પેક્ટર સાથેના સંબંધો અને હત્યાના દિવસે ઘરમાં પ્રવેશના પુરાવાઓએ આરોપીની મુશ્કેલી વધારી

ઓરાઈ: ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં કુથૌંડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ (SHO) અરુણ કુમાર રાયની સનસનાટીભરી હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ મુખ્ય આરોપી મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી શર્મા વિરુદ્ધ ૨૮૭ પાનાની ગંજાવર ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. આ રિપોર્ટમાં એવા ચોંકાવનારા ખુલાસા થયા છે જેણે પોલીસ બેડામાં ચર્ચાઓ જગાવી છે.
ઘટનાની એ ભયાનક રાત અને મીનાક્ષીની ચીસો
૫ ડિસેમ્બરની એ રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા સરકારી આવાસમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. સ્ટાફ જ્યારે રૂમ તરફ દોડ્યો ત્યારે SHO અરુણ કુમાર લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. તે જ સમયે કોંચ પોલીસ સ્ટેશનમાં તૈનાત મીનાક્ષી શર્મા "મને ગોળી વાગી છે!" તેવી બૂમો પાડતા રૂમમાંથી બહાર નીકળી હતી. જોકે, CCTV ફૂટેજમાં તે સ્પષ્ટપણે ઘરમાં પ્રવેશતી અને હત્યા બાદ બહાર નીકળતી જોવા મળી હતી, જે તેના બચાવના દાવાઓને પોકળ સાબિત કરે છે.
૭૨ કલાકમાં ૧૦૦ કોલ અને 'બ્રાન્ડેડ' લાઈફસ્ટાઈલ
તપાસ દરમિયાન મીનાક્ષીના મોબાઈલની કોલ ડિટેલ્સ (CDR) માં જાણવા મળ્યું કે તેણે ઘટનાના માત્ર ૭૨ કલાક પહેલા SHO અરુણ રાયને ૧૦૦ થી વધુ વખત ફોન અને વોટ્સએપ કોલ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મીનાક્ષી પોલીસ સ્ટેશનમાં ક્યારેય યુનિફોર્મ પહેરતી નહોતી, તે હંમેશા મોંઘા બ્રાન્ડેડ કપડાંમાં સજ્જ રહેતી હતી. એવું પણ બહાર આવ્યું છે કે સ્વર્ગસ્થ ઇન્સ્પેક્ટર તેને મોંઘા મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ભેટમાં આપતા હતા. જ્યારે તેને ડાયલ ૧૧૨ માં ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે યુનિફોર્મ પહેરવો પડ્યો, જે તેને પસંદ નહોતું અને તે ફરીથી સ્ટેશનમાં નિમણૂક મેળવવા મથી રહી હતી.
SIT ના મજબૂત પુરાવા અને જેલવાસ
પોલીસ અધિક્ષક ડૉ. દુર્ગેશ કુમારના જણાવ્યા અનુસાર, SIT એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે આ ચાર્જશીટ તૈયાર કરી છે. ૭ ડિસેમ્બરના રોજ જ્યારે મીનાક્ષી બસ દ્વારા મેરઠ ભાગી જવાની ફિરાકમાં હતી ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જાલૌન જિલ્લા જેલમાં બંધ છે અને કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી દીધી છે. ૨૮૭ પાનાની આ ચાર્જશીટમાં મીનાક્ષીના ઈન્સ્પેક્ટર સાથેના જટિલ સંબંધો અને હત્યા પાછળના હેતુ પર વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

(9:11 PM IST)