<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

કાનપુરમાં ક્રૂરતાની પરાકાષ્ઠા: ખેતરે ગયેલા ૧૫ વર્ષના માસૂમની નિર્મમ હત્યા, પોતાના જ કપડાની દોરીથી ગળું દબાવી કિશોરને મોતના ઘાટે ઉતારી ગટરમાં ફેંકી દીધો

માતા-પિતાના એકના એક પુત્રના મોતથી કઠેઠા ગામમાં શોકનું મોજું; કોઈની સાથે દુશ્મની નહોતી છતાં ધોરણ ૯ ના વિદ્યાર્થીને કોણે અને કેમ નિશાન બનાવ્યો? રહસ્ય ઉકેલવા પોલીસ મેદાને

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, જેમાં ઘાટમપુરના કઠેઠા ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. માત્ર ૧૫ વર્ષના કિશોર પ્રતીક ઉર્ફે કૃષ્ણાની અજાણ્યા શખ્સોએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી તેની લાશને ગટરના નાળામાં ફેંકી દીધી હતી. હૃદયદ્રાવક વાત એ છે કે હત્યારાઓએ કિશોરના જ જેકેટના નીચેના ભાગની દોરી કાઢી તેના ગળામાં ફાંસો આપી ટૂંપો દીધો હતો.
ઢોર ભગાડવા ગયો ને પાછો ન ફર્યો
કઠેઠા ગામના ખેડૂત સંતોષ સિંહનો પુત્ર કૃષ્ણા ધોરણ ૯ માં અભ્યાસ કરતો હતો. તેનો હાથ તૂટી ગયો હોવાથી તે થોડા દિવસોથી શાળાએ જતો નહોતો. શનિવારે બપોરે તેણે પરિવારને કહ્યું કે ખેતરમાં ઢોર ઘૂસી ગયા છે અને તે તેમને ભગાડવા જઈ રહ્યો છે. સાંજ સુધી દીકરો ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. ખેતર પાસે તેની સાયકલ તાળું મારેલી હાલતમાં મળી આવી, પરંતુ કૃષ્ણાનો ક્યાંય પત્તો નહોતો.
માત્ર ૩-૪ ઇંચ પાણી ધરાવતા નાળામાંથી મળી લાશ
પરિવારજનો અને ગ્રામજનોએ આસપાસ તપાસ કરતા ખેતર પાસેના એક ગટરના નાળામાં કૃષ્ણાની લાશ મળી આવી હતી. સંતોષ સિંહે જોયું કે પુત્રના ગળામાં તેના જ કપડાની દોરી ચુસ્ત રીતે બાંધેલી હતી. પિતાએ તાત્કાલિક દોરી ખોલી તેને બચાવવા પ્રયાસ કર્યો, પરંતુ માસૂમ કૃષ્ણા ત્યાં સુધીમાં અંતિમ શ્વાસ લઈ ચૂક્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, નાળામાં પાણી ખૂબ ઓછું હોવાથી ડૂબી જવાની કોઈ શક્યતા નથી, પ્રાથમિક દૃષ્ટિએ આ ગળું દબાવીને કરાયેલી હત્યાનો જ કેસ છે.
પરિવાર પર આભ ફાટ્યું, તપાસ તેજ
મૃતક કૃષ્ણા તેના પિતાનો એકમાત્ર પુત્ર હતો, તેની બે બહેનોએ પોતાનો વહાલો ભાઈ ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયું છે. પિતા સંતોષ સિંહનું કહેવું છે કે તેમની ગામમાં કોઈની સાથે દુશ્મની નથી, તો પછી તેમના પુત્રને કેમ નિશાન બનાવવામાં આવ્યો તે એક સવાલ છે. એસીપી કૃષ્ણકાંત યાદવે જણાવ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે અને ફોરેન્સિક પુરાવાઓના આધારે હત્યારાઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(9:12 PM IST)