હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાયક બાદશાહની મુશ્કેલીમાં તોતિંગ વધારો: વિવાદાસ્પદ ગીત 'તતિહારી' યુટ્યુબ પરથી હટાવાયું, ધરપકડ માટે પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા, લુકઆઉટ નોટિસની તૈયારી
હરિયાણા મહિલા આયોગના સમન્સ બાદ પંચકુલા અને જીંદમાં FIR દાખલ; સગીર બાળકીઓ અને મહિલાઓ માટે અભદ્ર શબ્દોના ઉપયોગનો ગંભીર આક્ષેપ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

પંચકુલા: બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયક બાદશાહ ઉર્ફે આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા અત્યારે કાયદાકીય સકંજામાં ફસાયા છે. તેમના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'તતિહારી' માં મહિલાઓ અને શાળાએ જતી સગીર બાળકીઓ માટે અત્યંત વાંધાજનક અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ હરિયાણા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પંચકુલા પોલીસે આ ગીતને યુટ્યુબ પરથી કાયમી ધોરણે દૂર કરી દીધું છે અને ગાયક વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કરવાની પ્રક્રિયા તેજ કરી છે.
શાળા અને શિક્ષણની ગરિમા હણવાનો આરોપ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગીતના વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી નાની બાળકીઓને સ્કૂલ બેગ ફેંકીને અભ્યાસ છોડી ભાગી જતી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત 'બધશાળા' જેવા શબ્દોનો ઉપયોગ કરીને શૈક્ષણિક સંસ્થાઓની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હરિયાણા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૬ અને મહિલા અભદ્ર પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ગુનો નોંધીને બાદશાહને તાત્કાલિક હાજર થવા નોટિસ ફટકારી છે.
દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર
હરિયાણા પોલીસે ગાયક બાદશાહ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેથી તેઓ દેશ છોડીને બહાર ન જઈ શકે. પંચકુલા પોલીસની અલગ-અલગ ટીમો બાદશાહના સંભવિત ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને રીલ્સ પરથી પણ આ ગીતની વાંધાજનક સામગ્રી હટાવવા માટે સાયબર સેલ સક્રિય બન્યું છે.
મહિલા આયોગનું કડક વલણ
હરિયાણા મહિલા આયોગે આ મામલે પહેલેથી જ લાલ આંખ કરી હતી. આયોગના મતે, મનોરંજનના નામે મહિલાઓનું અપમાન અને બાળકીઓને ખોટા રસ્તે દોરતા ગીતો સાંખી લેવામાં આવશે નહીં. બાદશાહ સામેની આ કાર્યવાહી અન્ય કલાકારો માટે પણ એક ચેતવણી સમાન માનવામાં આવી રહી છે.
હવે જોવાનું એ રહેશે કે બાદશાહ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારે છે કે કાયદાકીય લડતનો સહારો લે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
