<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ટ્રમ્પની 'યુદ્ધનીતિ' થી દુનિયા ધ્રુજી: ૧૭ કરોડ લોકોના માથે તોળાતું મોતનું જોખમ, અમેરિકાના જીદભર્યા નિર્ણયોએ વિશ્વને આર્થિક પાયમાલીના આરે લાવી દીધું!

ઈરાન પરના હુમલા બાદ મધ્ય-પૂર્વના ૮ દેશોમાં યુદ્ધનો ફફડાટ; ૯૦% અમેરિકન જનતા પણ મોંઘવારી અને મંદીના ડરથી ફફડી રહી છે, શું ટ્રમ્પની હઠ આખી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલશે?

વોશિંગ્ટન:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયોએ માત્ર અમેરિકા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને એક ખતરનાક વળાંક પર લાવી દીધું છે. પહેલા 'ટેરિફ યુદ્ધ' અને હવે ઈરાન સામે 'વાસ્તવિક યુદ્ધ' છેડીને ટ્રમ્પે આશરે ૧૭ કરોડ લોકોના જીવનને સીધા જોખમમાં મૂક્યા છે. ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર કરવામાં આવેલા હુમલાએ ખાડી દેશો સહિત અડધા ડઝનથી વધુ રાષ્ટ્રોમાં અરાજકતાનો માહોલ પેદા કર્યો છે.
  ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ સંઘર્ષમાં ઈરાક, લેબનોન, યમન, સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા દેશો સીધા લપેટામાં આવ્યા છે. આ દેશોની અંદાજે ૧૭ કરોડની વસ્તી અત્યારે યુદ્ધના ઓછાયા હેઠળ જીવી રહી છે. કતારમાં આવેલું અમેરિકાનું સૌથી મોટું લશ્કરી મથક અને સાઉદીની તેલ રિફાઈનરીઓ પર ગમે ત્યારે મોટા હુમલા થવાની ભીતિ છે, જે વૈશ્વિક તેલ પુરવઠાને ખોરવી શકે છે. જો આમ થશે તો ઈંધણના ભાવ આસમાને પહોંચશે અને વિશ્વભરમાં મોંઘવારીનો રાક્ષસ વધુ વકરશે.
 ચોંકાવનારી વાત એ છે કે ટ્રમ્પના આ નિર્ણયોમાં તેમની પોતાની જનતાનું સમર્થન ઘટી રહ્યું છે. સર્વે મુજબ, ઈરાન પર હુમલા માટે માત્ર ૫ ટકા અમેરિકનો સહમત છે. ટેરિફ નીતિઓને કારણે ૯૦ ટકા અમેરિકનો અત્યારે આર્થિક બોજ હેઠળ દબાયેલા છે. ૧૦માંથી ૯ અમેરિકનો સ્વીકારી રહ્યા છે કે તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ટ્રમ્પ ભલે અર્થતંત્રના ગુલાબી ચિત્રો રજૂ કરે, પરંતુ નિષ્ણાતો માની રહ્યા છે કે આ નીતિઓ અમેરિકાને ભયંકર મંદીમાં ધકેલી શકે છે.
ટ્રમ્પની મનસ્વી નીતિઓથી ભારત પણ બાકાત નથી. ગૌતમ અદાણીના કેસ બાદ ભારતના સોલર પ્લાન્ટ્સ પર ૧૨૬% જેટલો જંગી ટેરિફ લાદીને ટ્રમ્પે વ્યાપારી સંબંધોમાં તણાવ પેદા કર્યો છે. જોકે, આ ટેરિફનો ૯૦% બોજ આખરે અમેરિકન ગ્રાહકો અને કંપનીઓએ જ ઉઠાવવો પડી રહ્યો છે, જેના કારણે ત્યાંની સેન્ટ્રલ બેંક વ્યાજ દરો ઘટાડી શકતી નથી અને લોન વધુ મોંઘી થઈ રહી છે.
ટ્રમ્પના આ મનસ્વી નિર્ણયો અને 'વન મેન શો' જેવી રણનીતિ સામે હવે અમેરિકાની અંદરથી જ વિરોધના સૂર તેજ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ વૈશ્વિક તણાવ કેવું સ્વરૂપ લેશે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે

(10:59 PM IST)