<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

અવકાશમાં રહસ્યમય દુર્ઘટના: સૂર્યની જાસૂસી કરતો યુરોપનો 'પ્રોબા-3' ઉપગ્રહ અચાનક થયો 'ડેડ', કરોડોનું મિશન અંધકારમાં ગુમ થતા એલિયન્સના હુમલાની આશંકા?

સૂર્ય પેનલ દિશા ભટકતા બેટરી થઈ ગઈ ઠપ્પ; ઈસરોના PSLV રોકેટથી લોન્ચ થયેલું સ્પેસક્રાફ્ટ હવે માત્ર ધાતુનો ટુકડો બનીને અવકાશમાં તરતું હોવાની ભીતિ, વૈજ્ઞાનિકોનો સંપર્ક તૂટ્યો

નવી દિલ્હી: યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના સૌથી મહત્વાકાંક્ષી સૌર મિશન 'પ્રોબા-3' (Proba-3) પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. સૂર્યના રહસ્યો ઉકેલવા મોકલેલા બે ઉપગ્રહો પૈકીનો એક 'કોરોનાગ્રાફ' ઉપગ્રહ અચાનક દિશા ભટકી ગયો છે અને તેની સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. અવકાશમાં બનેલી આ અણધારી ઘટનાને પગલે વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચી ગયો છે અને સોશિયલ મીડિયા પર એલિયન્સના હુમલા જેવી અનેક તર્ક-વિતર્ક વાળી વાતો વહેતી થઈ છે.

કેવી રીતે સર્જાઈ આ આકાશી આફત?

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ૧૪ ફેબ્રુઆરીના વીકેન્ડ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે એક સાંકળ પ્રતિક્રિયા (Chain Reaction) શરૂ થઈ હતી. આ ખામીને લીધે ઉપગ્રહનું ઓરિએન્ટેશન બદલાઈ ગયું અને તેની સોલર પેનલ સૂર્યની વિરુદ્ધ દિશામાં થઈ ગઈ. સૂર્યપ્રકાશ ન મળવાને કારણે બેટરીઓ સેકન્ડોમાં ખાલી થઈ ગઈ અને ઉપગ્રહ 'સર્વાઇવલ મોડ'માં જતો રહ્યો. હાલમાં આ ઉપગ્રહ પૃથ્વી પરથી મોકલેલા કોઈપણ સિગ્નલનો પ્રતિસાદ આપી રહ્યો નથી.

શું છે આ મિશનનું કામ?

પ્રોબા-3 મિશનમાં બે ઉપગ્રહો (કોરોનાગ્રાફ અને ઓકલ્ટર) એકસાથે ઉડે છે. આ બંને વચ્ચે ૧૫૦ મીટરનું ચોક્કસ અંતર જાળવીને અવકાશમાં કૃત્રિમ સૂર્યગ્રહણ બનાવવામાં આવે છે. આનાથી સૂર્યના સૌથી બહારના પડ 'કોરોના'નો અભ્યાસ શક્ય બને છે, જે પૃથ્વી પરના મોબાઈલ નેટવર્ક, GPS અને પાવર ગ્રીડને અસર કરતા સૌર તોફાનોના ઉદ્ગમ સ્થાન વિશે માહિતી આપે છે. ડિસેમ્બર ૨૦૨૪ માં ભારતના ભરોસાપાત્ર PSLV રોકેટ દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું.

શું મિશન બચી શકશે?

યુરોપિયન સ્પેસ એજન્સીની ટીમ હવે એક અત્યંત જોખમી અને સાહસિક પ્લાન પર કામ કરી રહી છે. જે મુજબ, સુરક્ષિત રહેલા બીજા ઉપગ્રહને ક્ષતિગ્રસ્ત ઉપગ્રહની નજીક લઈ જવામાં આવશે જેથી તેના નુકસાનની વાસ્તવિક સ્થિતિ જાણી શકાય. જો આગામી થોડા દિવસોમાં સંપર્ક પુનઃસ્થાપિત નહીં થાય, તો કરોડો યુરોનો આ પ્રોજેક્ટ હંમેશ માટે અવકાશના અંધકારમાં ખોવાઈ જશે.

સૌર તોફાનોની આગાહી કરવા માટે આ મિશન ભારત સહિત સમગ્ર વિશ્વ માટે મહત્વનું હતું, પરંતુ અત્યારે તો આ 'સૂર્ય જાસૂસ' પોતે જ રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડી ગઈ છે.

 

(9:30 PM IST)