હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ભારત બન્યું 'તારણહાર': ઈરાની નૌકાદળના જહાજને કોચીમાં આશરો આપી ભારતે બચાવી ૧૮૩ જાન, ઈરાને ગદગદ થઈને કહ્યું- "મુશ્કેલ સમયમાં ભારતનો આભાર"
અમેરિકી સબમરીનના હુમલામાં ઈરાની જહાજ 'દેના' ડૂબ્યા બાદ ભારતે દરિયામાં ચલાવ્યું મોટું રેસ્ક્યુ ઓપરેશન; વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું- "માનવતાના ધોરણે લીધો નિર્ણય", બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવો અધ્યાય

કોચી: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ભારત ફરી એકવાર શાંતિ અને માનવતાના દૂત તરીકે ઉભરી આવ્યું છે. હિંદ મહાસાગરમાં ઈરાની નૌકાદળના જહાજ 'આઈઆરઆઈએસ દેના' પર થયેલા હુમલા અને તેના ડૂબ્યા બાદ સર્જાયેલી કટોકટીમાં ભારતે ઈરાનના બીજા જહાજ 'આઈઆરઆઈએસ લાવન' (IRIS Lavan) ને સુરક્ષિત આશરો આપીને ૧૮૩ ખલાસીઓના જીવ બચાવ્યા છે. આ મદદ માટે ઈરાની રાજદૂતે ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
દરિયામાં ખેલાયો મોતનો ખેલ અને ભારતની એન્ટ્રી
અહેવાલો મુજબ, શ્રીલંકાના દરિયાકાંઠે યુએસ સબમરીન દ્વારા ટોર્પિડો કરવામાં આવતા ઈરાની જહાજ 'દેના' ડૂબી ગયું હતું, જેમાં અંદાજે ૮૭ ખલાસીઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. આ કપરી પરિસ્થિતિમાં ભારતીય નૌકાદળે તત્કાલ પોતાની ટુકડીઓ રવાના કરી હતી. ભારતે INS તરંગિની, INS ઇક્ષક અને આધુનિક બોઇંગ P-8I પોસાઇડન એરક્રાફ્ટ તૈનાત કરીને શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેના કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા છે.
કોચી બંદર પર 'લાવન' ને સુરક્ષિત આશરો
હુમલાના જોખમ અને ટેકનિકલ ખામી વચ્ચે ફસાયેલા ઈરાની જહાજ 'IRIS Lavan' ને ભારતે સુરક્ષિત રીતે કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી આપી હતી. હાલમાં ૧૮૩ ઈરાની ખલાસીઓને ભારતીય નૌકાદળની સુવિધાઓમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને જરૂરી લોજિસ્ટિકલ અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ ભારત સરકારના આ 'માનવતાવાદી અભિગમ'ની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
"ખોટા સમયે ખોટી જગ્યાએ હતા યુવાન ખલાસીઓ"
વિદેશ મંત્રી એસ. જયશંકરે 'રાયસીના ડાયલોગ ૨૦૨૬' માં આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ભારતનો આ નિર્ણય સંપૂર્ણપણે માનવતાવાદી હતો. તેમણે ઉમેર્યું કે આ યુવાન ક્રૂ મેમ્બર્સ ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાઈ ગયા હતા અને તેમની સુરક્ષા કરવી એ નૈતિક જવાબદારી હતી. ભારતના આ પગલાને વૈશ્વિક સ્તરે એક સંતુલિત અને જવાબદાર દેશ તરીકેની છબી મજબૂત કરનારું માનવામાં આવે છે.
આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભલે વિશ્વમાં ગમે તેટલા તણાવના વાદળો છવાયેલા હોય, પરંતુ ભારત હંમેશા મુશ્કેલીમાં ફસાયેલા પડોશીઓ અને મિત્ર દેશો માટે 'સંકટમોચક' સાબિત થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
