<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

હરિદ્વારમાં અમિતભાઈ શાહની કોંગ્રેસ પર આકરી ગર્જના: "પહેલા લાંચ વગર નોકરી મળવી અશક્ય હતી, આજે યુવાનોને પારદર્શક રીતે મળે છે સન્માન"

ગૃહમંત્રીએ કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારોને સોંપ્યા નિમણૂક પત્રો; "ભારત માતા કી જય" ના નારાથી ગુંજી ઉઠ્યો પંડાલ, ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમનો આપ્યો વિશ્વાસ

હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભૂતકાળની સરકારો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે દેશના યુવાનોને લાંચ આપ્યા વગર સરકારી નોકરી મળવી લોઢાના ચણા ચાવવા જેવી હતી, પરંતુ હવે સમય બદલાયો છે.

ઉમેદવારોના ચહેરા પર છલકાઈ ખુશી

કાર્યક્રમ દરમિયાન જ્યારે ઉત્તરાખંડ પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારોને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા ત્યારે સમગ્ર વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું હતું. ગૃહમંત્રીએ અમન સિંહ, આકાશ, અજય ચૌહાણ, અર્જુન નાથ ગોસ્વામી અને યોગેશ નાથ સહિતના પાંચ ઉમેદવારોને પ્રતીકાત્મક રૂપે સ્ટેજ પરથી નિમણૂક પત્રો સોંપ્યા હતા. આ તકે પંડાલમાં હાજર અન્ય સેંકડો ઉમેદવારો પણ પોતાના નિમણૂક પત્રો સાથે અત્યંત ખુશ દેખાતા હતા.

દેશભક્તિના નારાથી ગુંજ્યું વાતાવરણ

જેવા ઉમેદવારોના હાથમાં નિમણૂક પત્રો આવ્યા કે તરત જ આખું પંડાલ "ભારત માતા કી જય" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. યુવાનોએ અનેક વખત જયઘોષ કર્યો હતો, જેમાં પંડાલમાં હાજર નાગરિકો પણ જોડાયા હતા. અમિતભાઈ શાહે આ ઉત્સાહને વધાવતા કહ્યું કે, આ નારા એ જ યુવાનોનો આત્મવિશ્વાસ છે જેમને પોતાની મહેનત અને પારદર્શક સિસ્ટમ પર ભરોસો છે.

ભ્રષ્ટાચાર મુક્ત ભરતીનો દાવો

અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો કે વર્તમાન સરકારમાં પ્રતિભાશાળી યુવાનોને કોઈની ભલામણ કે લાંચની જરૂર પડતી નથી. તેમણે ઉમેર્યું કે, પારદર્શક ભરતી પ્રક્રિયાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી યુવાનો આજે પોલીસ દળ અને અન્ય સરકારી સેવાઓમાં જોડાઈ રહ્યા છે, જે નવા ભારતના નિર્માણની નિશાની છે.

 

(10:07 PM IST)