<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ઈરાનનો યુદ્ધના મેદાનમાં મોટો યુ-ટર્ન: "હવે અમે પડોશી દેશો પર હુમલો નહીં કરીએ", રાષ્ટ્રપતિ પેજેશ્કિયાનની ચોંકાવનારી જાહેરાત અને માફી

વધતા તણાવ વચ્ચે ઈરાનનું શાંતિનું મોજું; ટેલિવિઝન સંદેશ દ્વારા પડોશી દેશોની માફી માંગી મૈત્રીપૂર્ણ સંબંધોનો આપ્યો સંકેત, "સરન્ડરનું સપનું જોનારા થશે નાકામ" કહીને દુશ્મનોને લલકાર્યા

તેહરાન:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધની આશંકાઓ વચ્ચે ઈરાન તરફથી એક આશ્ચર્યજનક અને મોટું રાજદ્વારી નિવેદન સામે આવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને રાષ્ટ્રને સંબોધતા જાહેરાત કરી છે કે ઈરાને હવે તેના પડોશી દેશો પર હુમલા રોકવાનો નિર્ણય લીધો છે. આ નિવેદનને વૈશ્વિક સ્તરે ઈરાનની વ્યૂહરચનામાં આવેલા મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
 રાષ્ટ્રપતિ પેજેશ્કિયાને એક ટેલિવિઝન સંદેશમાં માત્ર હુમલા રોકવાની વાત જ નથી કરી, પરંતુ પડોશી દેશોની માફી પણ માંગી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનનો ઈરાદો કોઈ અન્ય દેશ પર આક્રમણ કરવાનો નથી. આ હિલચાલને આરબ દેશો અને અન્ય પડોશી રાષ્ટ્રો સાથે બગડેલા સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સાથેની વધતી હલચલ વચ્ચે આ નિવેદન ઘણું મહત્વ ધરાવે છે.
શાંતિની વાત કરવાની સાથે સાથે રાષ્ટ્રપતિએ કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, "જે લોકો એવું સપનું જોઈ રહ્યા છે કે ઈરાન ઘૂંટણ ટેકવી દેશે કે આત્મસમર્પણ કરશે, તેઓ ચોક્કસપણે નાકામ થશે." આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઈરાન નબળું પડ્યું નથી, પરંતુ તે બિનજરૂરી સંઘર્ષ ટાળવા માંગે છે.
નિષ્ણાતો માને છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા તણાવ વચ્ચે પડોશી દેશોને વિશ્વાસમાં લેવાની આ ઈરાનની એક મોટી ચાલ હોઈ શકે છે. જો પડોશી દેશો સાથે ઈરાનના સંબંધો સુધરે છે, તો તે આ ક્ષેત્રમાં શક્તિનું સંતુલન બદલી શકે છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ અને દરિયાઈ સુરક્ષાને લઈને આખું વિશ્વ ચિંતિત છે. ઈરાનનો આ શાંતિનો રાગ કેટલો લાંબો ચાલશે અને તેની અન્ય દેશો પર શું અસર પડશે, તે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે

(10:10 PM IST)