હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બૈરુતમાં ઈઝરાયેલનું વિનાશક તાંડવ: ૨૬ ભયાનક હુમલામાં હિઝબુલ્લાહના ગઢના છોતરાં ઉડાડ્યા, ટોચના કમાન્ડર ઝૈદ અલી જુમાનો સફાયો
યુદ્ધમાં કૂદવું હિઝબુલ્લાહને પડ્યું ભારે; IDF એ લેબનોનમાં ઘૂસી આતંકી માળખાને કર્યા ધ્વસ્ત, લિટાની નદીના દક્ષિણ વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ઘર છોડવા અપાઈ ચેતવણી

બૈરુત: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલું યુદ્ધ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં લેબનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાહનો પ્રવેશ તેના માટે જ કાળ સાબિત થયો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ લેબનોનની રાજધાની બૈરુત પર અત્યાર સુધીના સૌથી ભયાનક ૨૬ હવાઈ હુમલા કરીને હિઝબુલ્લાહના સૈન્ય માળખાને જમીનદોસ્ત કરી દીધું છે.
ઈઝરાયેલી વાયુસેના (IAF) એ સચોટ નિશાન સાધીને બૈરુતમાં હિઝબુલ્લાહના લશ્કરી દળ વ્યવસ્થાપન કમાન્ડર ઝૈદ અલી જુમાને ઠાર માર્યો છે. IDF ના જણાવ્યા અનુસાર, ઝૈદ અલી ઈઝરાયેલ વિરુદ્ધ અનેક આતંકી હુમલાઓનું કાવતરું ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. આ હુમલા બાદ હિઝબુલ્લાહના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરોમાં ભાગદોડ મચી ગઈ છે.
હિઝબુલ્લાહના ગઢ દહિયેહમાં તારાજી: ઈઝરાયેલે દક્ષિણ બૈરુતના શિયા બહુમતી ધરાવતા ઉપનગર દહિયેહ પર બોમ્બમારો તેજ કર્યો છે. ઈઝરાયેલ આ વિસ્તારને હિઝબુલ્લાહનો મુખ્ય ગઢ માને છે. અહીં આવેલી બહુમાળી ઈમારતો અને ડ્રોન ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવી છે. ઈઝરાયેલી સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય ત્યાં સુધી આ હુમલા ચાલુ રહેશે.
ઈઝરાયેલે લિટાની નદીની દક્ષિણમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ, લેબનોનમાં અત્યાર સુધીમાં ૧૨૩ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૮૩,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હિઝબુલ્લાહે પણ બદલામાં મિસાઈલ હુમલા કર્યા છે, પરંતુ ઈઝરાયેલની વાયુસેનાની તાકાત સામે તે વામણા સાબિત થઈ રહ્યા છે. આ સંઘર્ષ જે રીતે આગળ વધી રહ્યો છે, તે જોતા લેબનોન સરહદે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈઝરાયેલના આગામી પગલા પર ટકેલી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
