<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

બખ્તિયારપુરમાં ભાવુક દ્રશ્યો: "અમને છોડીને ક્યાંય ન જાઓ...", નીતિશ કુમારનો કાફલો રોકી કાર્યકરો રડી પડ્યા, ૨૦૩૦ સુધી મુખ્યમંત્રી રહેવા કરી જીદ!

મુખ્યમંત્રીના વતન બખ્તિયારપુરમાં સમર્થકોનો અભૂતપૂર્વ પ્રેમ; રસ્તા પર બેન્ડ-વાજા સાથે સ્વાગત, બેકાબૂ ભીડ વચ્ચે સુરક્ષાકર્મીઓના શ્વાસ અધ્ધર થયા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

પટણા: બિહારના રાજકારણમાં નીતિશ કુમારના સ્થાનાંતરણની અટકળો વચ્ચે તેમના વતન બખ્તિયારપુરમાં એક અત્યંત ભાવુક અને અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો હતો. બખ્તિયારપુરના નવા બાયપાસ પર જ્યારે મુખ્યમંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે હજારોની સંખ્યામાં જેડીયુ કાર્યકરો અને સ્થાનિક લોકોએ તેમના વાહનને ઘેરી લીધું હતું. લોકોની આંખોમાં આંસુ હતા અને હોઠ પર માત્ર એક જ માંગ હતી - "નીતિશ કુમાર પદ છોડશો નહીં."
    ગણેશ હાઈસ્કૂલનું નિરીક્ષણ કરીને આગળ વધી રહેલા નીતિશ કુમારના કાફલાને સમર્થકોએ રસ્તાની વચ્ચે જ અટકાવી દીધો હતો. બેન્ડ-વાજા અને ફૂલહાર સાથે સજ્જ કાર્યકરોએ 'નીતિશ કુમાર ૨૦૩૦ સુધી મુખ્યમંત્રી રહે' તેવા ગગનભેદી નારા લગાવ્યા હતા. ભાવુક થયેલા સમર્થકોનું કહેવું હતું કે બિહારના વિકાસ માટે નીતિશ કુમારનું નેતૃત્વ અનિવાર્ય છે અને તેઓ કોઈપણ સંજોગોમાં તેમને અત્યારે વિદાય આપવા તૈયાર નથી.
  અચાનક ઉમટી પડેલી ભીડને કારણે મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સુરક્ષા કોર્ડન તોડીને લોકો મુખ્યમંત્રીના વાહન સુધી પહોંચી ગયા હતા, જેના કારણે કાફલો લાંબો સમય સુધી ફસાયેલો રહ્યો હતો. સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત બાદ ભીડને બાજુ પર હટાવી રસ્તો સાફ કર્યો હતો, જે બાદ કાફલો સુરક્ષિત રીતે આઠમલોગોલા તરફ રવાના થઈ શક્યો હતો.
   બખ્તિયારપુરની આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને નીતિશ કુમારની જબરદસ્ત લોકપ્રિયતા અને તેમના પ્રત્યેના જનમાનસના અતૂટ વિશ્વાસ તરીકે જોઈ રહ્યા છે. એકતરફ જ્યારે નીતિશ કુમારના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશની વાતો ચાલી રહી છે, ત્યારે જમીની સ્તરે કાર્યકરોનો આ આક્રોશ અને પ્રેમ નવા સમીકરણો તરફ ઈશારો કરે છે. સમર્થકોની આ લાગણીશીલ અપીલ નીતિશ કુમારના આગામી રાજકીય નિર્ણયો પર કેવી અસર પાડશે, તે જોવું રસપ્રદ રહેશે

(10:23 PM IST)