<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

બિહારના રાજકારણમાં લલ્લન સિંહનો મોટો ધડાકો: "અમિત શાહ કે ભાજપ નહીં, નીતિશ કુમાર જ નક્કી કરશે કે કોણ બનશે આગામી મુખ્યમંત્રી", દિલ્હીથી પરત ફરતા જ આપ્યું નિવેદન

જેડીયુ નેતાએ વિપક્ષ અને આરસીપી સિંહ પર કર્યા આકરા પ્રહાર; કહ્યું- "નીતિશ કુમારની ઈચ્છા વિરુદ્ધ કોઈ નિર્ણય લેવાની કોઈની હિંમત નથી", બિહારમાં સત્તાના સમીકરણોને લઈ અટકળો તેજ

પટણા: બિહારના રાજકારણમાં ચાલી રહેલી ભારે ખેંચતાણ અને અટકળો વચ્ચે જેડીયુના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહે એક અત્યંત મહત્વનું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. દિલ્હીથી પટણા પરત ફરેલા લલ્લન સિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બિહારના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેનો અંતિમ નિર્ણય લેવાની સત્તા માત્ર અને માત્ર નીતિશ કુમાર પાસે જ છે. આ નિર્ણયમાં અમિત શાહ કે ભાજપનું કોઈ દબાણ ચાલશે નહીં.
લલ્લન સિંહે ભારપૂર્વક જણાવ્યું કે બિહારના રાજકારણમાં નીતિશ કુમાર હંમેશા નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે. તેમણે કહ્યું, "મુખ્યમંત્રીનો સ્વભાવ એવો છે કે તેમની મંજૂરી વિના કોઈ પણ પાનડું હાલતું નથી. આગામી મુખ્યમંત્રી ભાજપમાંથી હશે કે જેડીયુમાંથી, તે નીતિશ કુમાર જ નક્કી કરશે. કોઈ પણ પક્ષ તેમને પોતાની ઈચ્છા વિરુદ્ધ નિર્ણય લેવા માટે મજબૂર કરી શક્યું નથી અને કરી શકશે પણ નહીં."
ભૂતપૂર્વ જેડીયુ નેતા આર.પી. સિંહ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતા લલ્લન સિંહે આકરા વલણ સાથે કહ્યું કે, જે વ્યક્તિ હવે પાર્ટીમાં જ નથી તેના શબ્દોની કોઈ કિંમત નથી. તેમણે દાવો કર્યો કે આરસીપી સિંહનું નામ સાંભળતા જ નીતિશ કુમાર નારાજ થઈ જાય છે અને તેઓ તેમને મળવાનું તો દૂર, તેમનું નામ સાંભળવાનું પણ પસંદ કરતા નથી.
 કોંગ્રેસ અને આરજેડી દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી પર પ્રતિક્રિયા આપતા લલ્લન સિંહે કહ્યું કે વિપક્ષ ગમે તેટલા દાવા કરે, તેનાથી સરકાર કે ગઠબંધનને કોઈ ફરક પડતો નથી. બિહારના વિકાસ અને સત્તાના સૂત્રો કોની પાસે રહેશે તે માત્ર ગઠબંધનના આંતરિક સમીકરણો અને નીતિશ કુમારની સહમતિ પર જ નિર્ભર છે. આ નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે ભાજપ તરફથી આ અંગે શું પ્રતિક્રિયા આવે છે અને બિહારનું રાજકીય ચિત્ર આગામી દિવસોમાં કેવો વળાંક લે છે.

(10:52 PM IST)