<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

દક્ષિણના સુપરસ્ટાર વિજયનો 'માસ્ટર સ્ટ્રોક': સત્તામાં આવતા જ મહિલાઓને ૮ ગ્રામ સોનું, દર મહિને ₹૨,૫૦૦ અને નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનું મોટું વચન!

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા TVK વડા વિજયની લોકપ્રિય જાહેરાતોનો પૂર; "અન્નપૂર્ણી સુપર 6" હેઠળ ૬ મફત ગેસ સિલિન્ડર અને વિદ્યાર્થીઓને વાર્ષિક ₹૧૫,૦૦૦ ની સહાયની ગેરંટી, રાજકારણમાં ગરમાવો

મમલ્લાપુરમ: તમિલનાડુના રાજકારણમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા જોસેફ વિજયે (થલપથી વિજય) પોતાની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ના નેજા હેઠળ વચનોની એવી લ્હાણી કરી છે કે વિરોધી પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં વિજયે તમિલનાડુની જનતા, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે કલ્યાણકારી યોજનાઓનો પટારો ખોલી દીધો છે.

સોનાની ભેટ અને આર્થિક સહાય

વિજયે જાહેરાત કરી છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો રાજ્યમાં જન્મેલા દરેક બાળકને સરકાર તરફથી 'સોનાની વીંટી' ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત, "અન્નન સીર" યોજના હેઠળ દરેક પાત્ર મહિલાના લગ્ન પ્રસંગે ૮ ગ્રામ સોનું અને રેશમી સાડી આપવાનું વચન આપ્યું છે. એટલું જ નહીં, ૬૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલા વડાઓને દર મહિને ૨,૫૦૦ રૂપિયાની સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

મહિલા સુરક્ષા અને મફત મુસાફરી

મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા વિજયે "વેત્રી પયનમ" યોજનાની જાહેરાત કરી, જેના અંતર્ગત રાજ્યની તમામ સરકારી બસોમાં મહિલાઓ મફત મુસાફરી કરી શકશે. સુરક્ષા માટે ૫૦૦ વિશેષ ટીમો અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના ઝડપી ન્યાય માટે "અંજલાઈ અમ્મલ ફાસ્ટ-ટ્રેક કોર્ટ" સ્થાપવાનું પણ વચન આપ્યું છે. આ ઉપરાંત, રેશનિંગની દુકાનો પરથી મફત સેનિટરી નેપકિનનું વિતરણ અને મહિલા સ્વ-સહાય જૂથોને ૫ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવાની ખાતરી આપી છે.

શિક્ષણ અને રસોડામાં રાહત

મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપતા વિજયે "અન્નપૂર્ણી સુપર 6" યોજના હેઠળ વર્ષમાં ૬ મફત LPG સિલિન્ડર આપવાનું નક્કી કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે "કામરાજ શિક્ષણ ખાતરી યોજના" દ્વારા ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કોઈપણ અવરોધ વિના શિક્ષણ પૂર્ણ કરવા બદલ વાર્ષિક ૧૫,૦૦૦ રૂપિયાની પ્રોત્સાહક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

સુપરસ્ટાર વિજયની આ 'કલ્યાણકારી જાહેરાતો' તમિલનાડુના આગામી ચૂંટણી જંગમાં કેટલી અસરકારક સાબિત થાય છે, તેના પર હવે આખા દેશની નજર ટકેલી છે.

(11:23 PM IST)