<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ઈરાનનો મોટો રાજદ્વારી વળાંક: "અમારો ઈરાદો હુમલો કરવાનો નથી...", રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પડોશી દેશોની માફી માંગી મિસાઈલ હુમલા રોકવાની કરી જાહેરાત!

અમેરિકા-ઈઝરાયલના ભીષણ હુમલા વચ્ચે ઈરાન નરમ પડ્યું; પડોશી રાજ્યો પર આક્રમણ નહીં કરવાની ખાતરી આપી, તો બીજી તરફ દુબઈ એરપોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ બાદ ફ્લાઈટ કામગીરી ઠપ્પ

તેહરાન: મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધ અને રક્તપાત વચ્ચે ઈરાન તરફથી એક આશ્ચર્યજનક નિવેદન સામે આવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શનિવારે રાષ્ટ્રને સંબોધતા પોતાના પડોશી દેશોની માફી માંગી છે અને જાહેરાત કરી છે કે ઈરાનનો અન્ય કોઈ દેશ પર હુમલો કરવાનો ઈરાદો નથી. આ નિવેદનને પ્રાદેશિક તણાવ ઓછો કરવાના તેહરાનના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે, જોકે યુદ્ધની આગ હજુ શાંત થઈ નથી.
 રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ઈરાન પર કોઈ પડોશી દેશના પ્રદેશમાંથી હુમલો કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેહરાન મિસાઈલ હુમલા કે આક્રમણ કરશે નહીં. જોકે, તેમણે અમેરિકા અને ઈઝરાયલ સામે નમતું જોખવાનો ઈન્કાર કરતા ગર્જના કરી હતી કે, "ઈરાની જનતાના શરણાગતિનું સ્વપ્ન જોનારા દુશ્મનોએ આ વિચાર પોતાની કબર સુધી લઈ જવો પડશે." આ નિવેદન સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ ઉભી થયેલી વચગાળાની નેતૃત્વ પરિષદના નિર્ણય બાદ આવ્યું છે.
બીજી તરફ, યુદ્ધની માઠી અસર સંયુક્ત આરબ અમીરાત (UAE) પર પણ જોવા મળી રહી છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક શક્તિશાળી વિસ્ફોટ સંભળાયા બાદ તમામ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. એરપોર્ટ પ્રશાસને મુસાફરો અને સ્ટાફની સુરક્ષાને ટાંકીને ફ્લાઈટ્સ રદ કરી છે. આસપાસના વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન ગુંજી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા વિનાશક હુમલામાં સેંકડો લોકોના મોત થયા હતા. તેના જવાબમાં ઈરાને મધ્ય-પૂર્વમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને ખાડી દેશો પર ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા. અમેરિકી સેનાએ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૨૪ કલાકમાં ૧૦૦૦થી વધુ ઈરાની બેઝ નષ્ટ કર્યા હોવાનો પણ દાવો કર્યો છે. આ સંજોગોમાં ઈરાનના રાષ્ટ્રપતિનું માફીનામું અને શાંતિનો સંકેત યુદ્ધની ગતિ રોકવામાં કેટલો સફળ રહેશે, તેના પર સમગ્ર વિશ્વની મીટ મંડાણી છે

(11:25 PM IST)