હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન-અમેરિકા યુદ્ધના લીધે વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરાયું: કુવૈત દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને રિફાઇનિંગમાં મોટો કાપ
હોર્મુઝની સામુદ્રધુનીમાં સુરક્ષા જોખમો વધતા તેલ ટેન્કરોની અવરજવર ઠપ, ઈરાકના ઉત્પાદનમાં ૧૫ લાખ બેરલનો ઘટાડો; બ્રેન્ટ ક્રૂડ $૯૨ને પાર અને અમેરિકી તેલના ભાવમાં ૧૯૮૩ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો

કુવૈત સિટી: પશ્ચિમ એશિયામાં વધી રહેલા સૈન્ય તણાવ અને ઈરાન દ્વારા સંભવિત હુમલાઓના ખતરા વચ્ચે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઓપેક (OPEC) ના પાંચમા સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ કુવૈતે શનિવારે જાહેરાત કરી હતી કે તેણે તેના તેલ ઉત્પાદન અને રિફાઇનિંગ આઉટપુટમાં એહતિયાતી પગલા તરીકે કાપ મૂક્યો છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં વધતા સુરક્ષા જોખમોને કારણે તેલ ટેન્કરોનો માર્ગ અવરોધાયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેન્કરોની અવરજવર થંભી, સ્ટોરેજની સમસ્યા વધી
ઈરાન સાથેના સંઘર્ષને કારણે જહાજ માલિકોમાં ભય છે કે ઈરાન તેમના ટેન્કરોને નિશાન બનાવી શકે છે. વિશ્વના કુલ તેલ વપરાશના ૨૦ ટકા નિકાસ જે માર્ગેથી થાય છે તે હોર્મુઝ જલમાર્ગ બંધ જેવી સ્થિતિમાં હોવાથી મધ્ય-પૂર્વના દેશોમાં તેલનો ભંડાર (સ્ટોક) વધી રહ્યો છે. ઈરાકે પણ તેની સંગ્રહ ક્ષમતા પૂર્ણ થતા દરરોજ ૧૫ લાખ બેરલ તેલનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે. કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, સ્થિતિ સામાન્ય થતા ઉત્પાદન ફરી વધારવામાં આવશે. જાન્યુઆરીમાં કુવૈતનું ઉત્પાદન ૨૬ લાખ બેરલ પ્રતિ દિન હતું.
તેલના ભાવમાં ઐતિહાસિક ઉછાળો
યુદ્ધના સંકટને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ૮.૫૨ ટકા વધીને ૯૨.૬૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ૧૨.૨૧ ટકાના ઉછાળા સાથે ૯૦.૯૦ ડોલર પર બંધ થયું છે. અમેરિકી કાચા તેલના ભાવમાં અંદાજે ૩૫ ટકાનો સાપ્તાહિક વધારો નોંધાયો છે, જે વર્ષ ૧૯૮૩ પછીની સૌથી મોટી સાપ્તાહિક તેજી ગણાય છે.
કુદરતી ગેસ (LNG) ના પુરવઠા પર પણ અસર
માત્ર તેલ જ નહીં, પરંતુ ગેસ સપ્લાય લાઇન પર પણ આ યુદ્ધની માઠી અસર પડી છે. વિશ્વના ૨૦ ટકા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નિકાસ કરતા કતારે ઈરાની હુમલા બાદ તેના ઉત્પાદનને કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. નિષ્ણાંતોના મતે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ લાંબો ચાલશે, તો વિશ્વભરમાં ઉર્જાના ભાવ અને પુરવઠા પર વધુ દબાણ આવશે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
