<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે...

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી: ઐતિહાસિક સિદ્ધિઓ મેળવનાર મહિલાઓનું દેશભરમાં કરાયું સન્માન

​આજે ૮ માર્ચના રોજ સમગ્ર દેશ અને વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. બિઝનેસ, વિજ્ઞાન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનોખી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. વુમન્સ ડે નિમિત્તે વિવિધ સરકારો દ્વારા મહિલા સશક્તિકરણની વિશેષ યોજનાઓની અને આર્થિક સહાયની પણ જાહેરાતો કરાઈ છે.

 

ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વકરતું જાય છે: ભારત સરકારે ખાડી દેશોમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા ૫૮ રેસ્ક્યુ ફ્લાઇટ્સ દોડાવી

​મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકન સબમરીન દ્વારા ઈરાનના યુદ્ધજહાજને ડૂબાડ્યા બાદ અને ઈઝરાયેલની એરસ્ટ્રાઈકથી તણાવ ચરમસીમાએ છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા માટે ખાડી દેશોમાંથી તાત્કાલિક ધોરણે ૫૮ વિશેષ ફ્લાઇટ્સ ઓપરેટ કરીને ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવાનું મોટું ઓપરેશન શરૂ કર્યું છે. 

 

પશ્ચિમ બંગાળમાં પ્રોટોકોલનો ભંગ: રાષ્ટ્રપતિના અપમાન મુદ્દે પીએમ મોદી અને અમિતભાઈ મમતા સરકાર પર લાલઘૂમ

​પશ્ચિમ બંગાળમાં આદિવાસી સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રોટોકોલનું ઉલ્લંઘન થતા ભારે રાજકીય વિવાદ સર્જાયો છે. ટીએમસી સરકારના આ વલણથી રાષ્ટ્રપતિએ પોતે નારાજગી દર્શાવી છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે પણ આકરા શબ્દોમાં મમતા બેનર્જી સરકાર પર પ્રહાર કરી આ ઘટનાને શરમજનક ગણાવી છે.

 

અમદાવાદમાં ક્રિકેટનો મહાકુંભ: આજે આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક જંગ: નરેન્દ્રભાઈ ઉપસ્થિત રહે તેવી સંભાવના ચર્ચાય છે

​આજે ૮ માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬ ની મહામુકાબલા સમાન ફાઈનલ મેચ રમાશે. ટિકિટના ભાવ આસમાને પહોંચતા અને સ્પેશિયલ ટ્રેનો પણ હાઉસફુલ થતાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન ખુદ પણ મેચ નિહાળવા હાજર રહે તેવી શક્યતા ચર્ચાઈ રહી છે. જોકે સત્તાવાર કોઇ જાહેરાત થઈ નથી. 

(10:36 AM IST)