હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધના ભણકારા વચ્ચે 'ગોલ્ડ-સિલ્વર'માં ભૂકંપ: રોકાણકારોનો વિશ્વાસ ડગ્યો કે પછી નફાખોરીનો ખેલ?
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે કિંમતી ધાતુઓની ચમક ઝાંખી, ઐતિહાસિક સપાટીથી ભાવમાં મોટો ઘટાડો: બજારના નિષ્ણાતોમાં મુંઝવણ

અમદાવાદ:મધ્ય પૂર્વમાં ભડકેલા યુદ્ધના જ્વાળામુખી વચ્ચે પણ સોના-ચાંદીના ભાવમાં જે પ્રકારે ગાબડાં પડ્યા છે, તે રોકાણકારો અને વેપારીઓ માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. સામાન્ય સંજોગોમાં યુદ્ધ જેવી સ્થિતિમાં સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં ભારે તેજી આવતી હોય છે, પરંતુ આ વખતે બજારમાં 'ઉલટી ગંગા' વહેતી જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહના આંકડા જોઈએ તો, સોનું અને ચાંદી બંને લાલ નિશાનમાં બંધ થઈ રહ્યા છે, જે બજારની બદલાતી દિશાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે.
ચાંદીના ભાવમાં તો જાણે ધોવાણ થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 29 જાન્યુઆરીએ રૂ. 4,20,048 ની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચેલી ચાંદી અત્યારે રૂ. 1.51 લાખ જેટલી સસ્તી મળી રહી છે. આટલું જ નહીં, માત્ર છેલ્લા એક અઠવાડિયામાં જ ચાંદીના ભાવમાં રૂ. 14,000 થી વધુનો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. સોનાની વાત કરીએ તો તે પણ તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી રૂ. 31,421 જેટલું નીચે ગગડી ગયું છે, જે ખરીદદારો માટે રાહતરૂપ છે પણ રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.
બજારના જાણકારોના મતે, આ કડાકા પાછળનું મુખ્ય કારણ 'પ્રોફિટ બુકિંગ' એટલે કે નફાખોરી છે. લાંબા સમયથી ચાલેલી તેજી બાદ હવે મોટા રોકાણકારો પોતાનો નફો સુરક્ષિત કરવા માટે માલ વેચી રહ્યા છે. વધુમાં, યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો જોખમ લેવાને બદલે રોકડ રકમ (Cash) હાથમાં રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેને કારણે બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શું આ ઘટાડો હજુ લાંબો ચાલશે કે પછી સોના-ચાંદી ફરી પોતાની જૂની ચમક પાછી મેળવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
