<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

અમેરિકામાં કુદરતી તાંડવ: 96 કિમીની ઝડપે ત્રાટકેલા વિનાશક ટોર્નેડોએ મચાવી તબાહી, 6 લોકોના મોતથી શોકનું મોજું

દક્ષિણ મિશિગનમાં સેંકડો મકાનો જમીનદોસ્ત, 50 લાખથી વધુ લોકોની જિંદગી મુશ્કેલીમાં: વીજળી અને સંપર્ક વ્યવસ્થા ખોરવાતા ઇમરજન્સી જાહેર

ડેનવર:અમેરિકા હાલમાં રાજકીય અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય યુદ્ધના મોરચે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે હવે કુદરતનો પ્રકોપ પણ અમેરિકન જનતા પર આફત બનીને તૂટી પડ્યો છે. દક્ષિણ મિશિગન વિસ્તારમાં 96 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ ત્રાટકેલા વિનાશક ટોર્નેડોએ માનવજીવનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ભયાનક વાવાઝોડામાં અત્યાર સુધી 6 લોકોના મોત નિપજ્યા હોવાના અને 12 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. વાવાઝોડાની તીવ્રતા એટલી ભયાનક હતી કે અનેક આલીશાન મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુનિયન લેક પર સર્જાયેલા આ ટોર્નેડોએ રસ્તામાં આવતી દરેક વસ્તુને વેરવિખેર કરી નાખી હતી. કુદરતના આ વિકરાળ સ્વરૂપને જોઈને સ્થાનિકો આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. આ વાવાઝોડાના કારણે 50 કિમીથી વધુ વિસ્તારમાં માર્ગોને ભારે નુકસાન થયું છે અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જતા લાખો લોકો અંધકારમાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે. મિશિગન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને તત્કાળ સક્રિય કરી દેવામાં આવ્યું છે, પરંતુ કેન્સાસ સિટી અને મિસૌરી જેવા અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગે એલર્ટ જારી કરતા ભયનું વાતાવરણ છવાયેલું છે.

વહીવટી તંત્ર માટે અત્યારે સૌથી મોટો પડકાર બચાવ અને રાહત કામગીરીનો છે, કારણ કે 50 લાખથી વધુ લોકો આ કુદરતી આફતની સીધી અસર હેઠળ આવ્યા છે. એક તરફ યુદ્ધના કારણે દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા પર દબાણ છે, તો બીજી તરફ આ આફતને કારણે આંતરિક વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા નુકસાનનો વ્યાપ આંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ વિનાશની તસવીરો સાબિત કરે છે કે અમેરિકા અત્યારે એક સાથે અનેક મોરચે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આગામી સમયમાં હવામાન વિભાગની આગાહીઓ વધુ ચિંતાજનક છે, જે તંત્ર માટે કપરો કસોટીનો સમય છે.

(11:05 AM IST)